સાવરકુંડલાના આદસંગની સીમમાં શ્રમિક પરિવારની બાળકીનો શિકાર કરનારો સિંહ પાંજરે પુરાયો
અમરેલીઃ જિલ્લામાં ધારીથી લઈને સાવરકુંડલા અને છેક રાજુલા સુધી સિંહનો વસવાટ વધી રહ્યો છે. ત્યારે સિંહના હુમલાની વધુ એક ઘટના બની છે. જિલ્લાના સાવરકુંડલાના આદસંગ ગામમાં પાંચ વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતુ. વન વિભાગના કર્મચારીઓએ બાળકીને સિંહની ચુંગાલમાંથી છોડાવી હતી પરંતુ, બાળકી બચી શકી ન હતી. જો કે વનવિભાગની ટીમને મોડી સાંજે સિંહને પાંજરે પુરવામાં સફળતા મળતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સાવરકુંડલાના આદસંગ ગામે ગુજરીયા પરિવારના લોકો સાંજ સમયે વાડી વિસ્તારમાં કામ કરી રહ્યા હતા ત્યારે પાંચ વર્ષીય બાળકી કુંજલ ગુજરિયાને એક સિંહ ઉઠાવી નજીક ઝાડીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાની જાણ સાવરકુંડલા રેન્જના વનવિભાગને થતા તાત્કાલીક ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. વનકર્મચારીઓ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે બાળકીના શરીર પર પંજો રાખી સિંહ ઉભો હતો. જેથી વન કર્મચારીઓએ હિંમત કરી સિંહને ભગાડી મૂક્યો હતો. જો કે, બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે મોત નિપજ્યું હતું. આ બનાવથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ ખરીફ પાકની સીઝન ચાલી રહી હોવાથી ખેડુતો અને શ્રમિકો વાડી કે સીમ ખેતરે જતાં ડર અનુભવી રહ્યા હતા.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમરેલી-સાવરકુંડલાના આદસંગ ગામમાં સિંહને પકડવા વનવિભાગનું મેગા ઓપરેશન સફળ રહ્યું હતું. ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત વનવિભાગની મોટી ટીમ રેસ્ક્યૂમાં જોડાઈ હતી. સિંહને ટેન્ક્યુલાઇઝર કરી પાંજરે પુરવામાં સફળતા મળતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.