1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેવીના યુદ્ધ જહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને અપાયેલું ‘સુરત’ નામ એ ગુજરાતના ગૌરવનું સન્માન છેઃ મુખ્યમંત્રી
નેવીના યુદ્ધ જહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને અપાયેલું ‘સુરત’ નામ એ ગુજરાતના ગૌરવનું સન્માન છેઃ મુખ્યમંત્રી

નેવીના યુદ્ધ જહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને અપાયેલું ‘સુરત’ નામ એ ગુજરાતના ગૌરવનું સન્માન છેઃ મુખ્યમંત્રી

0
Social Share

સુરતઃ   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમારની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ સુરત ખાતે કરાયું હતું. ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઈલ ડેસ્ટ્રોયર યુદ્ધજહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને ‘સુરત’ નામ આપી સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ ગરિમાપૂર્ણ અને ભવ્ય ‘સુરત વોરશિપ ક્રેસ્ટ’ (ચિહ્ન)ના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજે ચોથા વોરશિપ તરીકે ‘સુરત’નું નામકરણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ છે. આ પ્રથમ એવી ઘટના છે, જેમાં કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું હોય.

ગુજરાતના પ્રાચીન દરિયાઈ વ્યાપારનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત, લોથલ, ઘોઘા, ભરૂચ એક સમયે સમુદ્રી વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્રો હતા. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશવિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સુરતનો દરિયાઈ તટ પ્રાચીન કાળના ગૌરવશાળી દરિયાઈ વ્યાપારનો સાક્ષી છે અને આજે સુરત ભવિષ્યના આધુનિક ભારતના સૂર્યોદયનો પણ સાક્ષી બન્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના મરીન કમાન્ડો અને કોસ્ટ ગાર્ડસ દરિયાઈ સીમાની સુરક્ષા માટે સતર્ક અને સજાગ છે. ભારતીય નૌસેનાને સુરક્ષાકીય ગતિવિધિઓમાં પીઠબળ આપવામાં ગુજરાતની પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ સેકટરમાં મેન્યુફેક્ચરિંગમાં પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત વોરશિપ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ચીફ ઓફ નેવલ સ્ટાફ નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમારે જણાવ્યું કે,મધ્યકાળમાં 16મીથી 18મી સદી દરમિયાન  સુરત શહેર સમુદ્ર જહાજ નિર્માણ તેમજ સમુદ્ર વ્યાપારનું મોટું કેન્દ્ર હતું. ‘સુરત’ યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની એવા વાઈબ્રન્ટ સુરત શહેર પરથી આપવામાં આવ્યું છે, કારણ કે સુરત તેના પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને શિપબિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે. આ પગલાંથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે.

વિશ્વસનીય જવાબદારી જાળવવી એ કોઈપણ સશસ્ત્ર દળનું કામ છે, ખાસ કરીને નૌકાદળનું. નૌકા દળ દેશની સુરક્ષા તેમજ બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.  ફ્લેગ ઓફિસર ગુજરાત નેવલ એરિયા કમાન્ડર રિયર એડમિરલ અનિલ જગ્ગીએ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આવકારી પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કર્યું હતું અને ભારતીય નેવીના સુરત ક્રેસ્ટની રૂપરેખા આપી હતી. આ વેળાએ નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર તથા વરિષ્ઠ નેવી અધિકારીઓએ મુખ્યમંત્રીને સુરત યુદ્ધ જહાજની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ નેવીના સ્મૃતિ સ્થંભ પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

જહાજોના નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતા અને ‘સુરત’ યુદ્ધજહાજ સંદર્ભે વિડીયોફિલ્મનું નિદર્શન કરાયું હતું. ‘સુરત’ યુદ્ધજહાજના મોડેલ અંગે ચીફ ઓફ નેવલ સ્ટાફે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન નેવી બેન્ડ દ્વારા સંગીતની સૂરાવલિ છેડી મુખ્યમંત્રી તેમજ નૌકાદળના વડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ફ્લેગ ઓફસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠી, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કલેકટર આયુષ ઓક, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, મેયર દક્ષેશ માવાણી, અને નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code