રાજકોટમાં નવા બનાવેલા ઓવરબ્રિજમાં તિરાડો, મ્યુનિ,ના પદાધિકારીઓએ બ્રિજનું કર્યું નિરીક્ષણ
રાજકોટઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાના કે તૂટી પડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલના ચોકમાં નવા બનાવેલા બ્રિજમાં તિરાડો દેખાતા અને આ અંગેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓ દોડી ગયા હતા. અને સીટી એન્જિનિયરોને સાથે રાખીને બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની શહેરીજનોને ખાતરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં એક વર્ષ પહેલાં રૂપિયા 100 કરોડના ખર્ચે બનેલા ટ્રાયેંગલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ નવા બનાવેલા બ્રિજમાં ત્રણ જેટલી તિરાડો જોવા મળતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે મનપાના સિટી એન્જિનિયરો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ત્યારબાદ જવાબદાર અધિકારીઓને સાથે રાખીને મેયર અને સ્ટેડિંગ કમિટીના ચેરમેને સ્થળ પર જઈને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સ્ટેડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની રાજકોટવાસીઓને ખાતરી આપી હતી. બ્રિજમાં માત્ર પાતળી તડ હોવાનો દાવો કર્યો હતો. મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, જે કોઈ નાની-મોટી ક્ષતિ હશે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ કોઈ મોટી ક્ષતી નથી. તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની એન્જિનિયરોને સૂચના આપી દેવામાં એવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સિવિલ હોસ્પિટલ ચોકના ટ્રાયેંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ જોવા મળી રહી છે. આ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે સ્થળ મુલાકાત લઈ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં બનાવવામાં આવેલા ગુજરાતના વિવિધ બ્રિજમાં એક બાદ એક ક્ષતિ સામે આવી રહી છે. ત્યારે આ કામોમાં ભ્રષ્ટાચાર થયાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. હું પોતે એક બિલ્ડર હોવાને નાતે પણ સ્પષ્ટ માનું છું કે હાલ જોવા મળી રહેલી આ તિરાડો કોઈ વાત નથી. પરંતુ નબળો કે ઓછો માલ વાપરવાને કારણે પડેલી તિરાડો છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં આવું ન થાય તે માટેની કાર્યવાહી કરવી જોઈએ.