દિવાળીના તહેવારો ટાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટા બાદ સામાન્ય ઝાપટાં
અમદાવાદઃ ગુજરાતમાં હાલ દિવસે થોડી ગરમી અને રાતે થોડી ઠંડી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના સામાન્ય ઝાંપટા પડ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવાળી સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે. જુનાગઢના માળિયાહાટિનામાં જુથળ, ગલોદર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદ થતા જીરુ, ધાણા, ચણા સહિતના પાકને નુકસાનને ભીતિ સેવાઈ રહી છે. વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત દેવભિમિ દ્વારકા, અમરેલીના ધારી, તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.
સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમાં જુનાગઢના માળિયાહાટિનામાં જુથળ, ગલોદર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમરેલી જિલ્લામાં ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો. ધારીના ગોવિંદપુર, દલખાણિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં પલટો આવતા કેમેડી, ખાખરડા સહિતના ગામોમાં કમોસમી ઝાપટા પડ્યા હતા.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાપુતારામાં ભારે બફારા બાદ અચાનક વરસાદ આવ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહત્વનુ છે કે હાલમાં શિયાળાની શરૂઆત થવાને થોડોજ સમય બાકી છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવાના હળવા દબાણને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. રાજ્યમાં હજુ બે દિવસ આકાશ વાદળછાંયુ રહેશે. જો કે માવઠાની શક્યતા નહીવત છે.(File photo)