અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ વિસ્તારોમાં રૂપિયા 93 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નંખાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે શહેરનો વિસ્તારમાં પણ વધારો થયો છે. સરદાર પટેલ રિંગ રોડ આસપાસ નવી અનેક વસાહતો ઊભી થઈ છે, આ વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે એસપી રિંગરોડની આસપાસના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધી 93 કરોડના ખર્ચે માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 3 કિમી લાંબી ડ્રેનેજ લાઈન નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુરૂવારે મળેલી એએમસીની વોટર સપ્લાય કમિટીમાં આ કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. SP રીંગરોડની આસપાસ વધતા જતા વિકાસના પગલે આગામી 25 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખી અને ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે.
એએમસીના વોટર સપ્લાય કમિટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, AMCમાં કેન્દ્ર સરકારની AMRUT યોજના અંતર્ગત મંજૂર થયેલા કામો પૈકી વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન નાખવામાં આવશે. દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં SP રીંગરોડ પર શાંતિપુરા જંક્શનથી સનાથલ જંક્શન સુધી 93 કરોડના ખર્ચે 2,200થી 1,800 ડાયામીટરની ડ્રેનેજ મેઈન લાઈન નાખવામાં આવશે. લાંબાગાળાના આયોજનના ભાગરૂપે આ ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે અને ફતેહવાડીમાં પંપીંગ સ્ટેશન બનાવાશે અને 150 MLDનો STP બનાવાશે અને સુઅરેજ નેટવર્ક નાખવામાં આવશે અને ટ્રીટ કરેલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના SP રિંગરોડની આસપાસનો વિસ્તાર ઔડામાં હતો ત્યારે લગભગ 20 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન આવેલી છે. ઔડાનો કેટલાક વિસ્તાર હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળી ગયો છે. તેથી વધતા જતા રહેણાંક વિસ્તારમાં અને જરૂરિયાતને ધ્યાનમાં લઈને નાંખવામાં આવેલી ડ્રેનેજ લાઈનની વહન ક્ષમતા ઓછી હોવાને કારણે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનો વારંવાર ઉભરાય છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે ગટરો બ્રેક મારવાને કારણે આ વિસ્તારની સોસાયટીઓના રહીશોની હાલત વધુ કફોડી બની જાય છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં મેઇન ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે.