ચીલોડા હાઈવે પર પાર્ક કરેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા ટ્રકચાલક પિતાની નજર સામે પૂત્રનું મોત
ગાંધીનગરઃ ચીલોડા ચોકડી નજીક હિંમતનગર હાઇવે પર રાતના સમયે પાર્ક પાર્ક કરેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા આ અકસ્માતમાં ટ્રક ચાલક પિતાની પાસે બેઠેલ પુત્રનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ચીલોડા સર્કલની ચારે તરફ ગેરકાયદેસર દબાણો અને આડેધડ વાહન પાર્કિંગની સમસ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે. અને તેના લીધે છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. હાઇવે રોડ ઉપર પણ રાત્રીના અંધકારમાં માતેલા સાંઢની માફક ટ્રકો બેરોકટોક ઉભી રહી જતી હોય છે. રાતના સમયે રોડ પર ડમ્પરો પાર્ક કરાયા હતા. ડમ્પરો પાછલ રિફ્લેકટર લાઈટ પણ નહતી. તેથી પાછળથી આવતા વાહનોને નજીક આવે ત્યારે ડમ્પર પાર્ક કરેલા દેખાતા હતા. દરમિયાન ટ્રક પુરફાટ ઝડપે પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતા ટ્રકમાં ચાલકની બાજુમાં બેઠેલા તેની પૂત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના નજીરખાન આઝમખાન મેરનો 23 વર્ષીય પુત્ર મીર તેમની સાથે ટ્રકના ખલાસી તરીકે કામ કરતો હતો. રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પિતા પુત્ર ટ્રકમાં સાબરકાંઠા ખાતે આવેલા બાલાજી એક્સપોર્ટ ફેક્ટરીથી મગફળીના દાણા ભરી હૈદરાબાદ જવા હિંમતનગરથી અમદાવાદ તરફ જતા હતા. તે દરમિયાન ગીયોડ મંદિરથી ચિલોડા તરફ જતા હાઈવે ઉપર ધણપ ફાર્મસી કોલેજ પાસે રોડ ઉપર બે ડમ્પર કોઈપણ રિફ્લેક્ટર વગર કે કોઈપણ આડસ મુક્યા વગર ઉભા હતા. ત્યારે રાતનું અંધારું હોવાથી નજીરખાનને રોડ વચ્ચે પાર્ક કરેલુ ડમ્પર દેખાયું ન હતું. અને અકસ્માત સર્જાયો હતો. જેનાં કારણે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. એ વખતે તેની આગળ ઉભેલ અન્ય એક ડમ્પર સાથે ટ્રક અથડાયુ હતું. જેનાં કારણે ડ્રાઈવર સાઈડની બાજુમાં બેઠેલા મીરને ગંભીર ઈજાઓ થઇ હતી. અને તેણે પિતાની નજર સામે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં ચીલોડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવી જોખમી રીતે ઉભી રહેલ ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.