દુર્ગા માતાજીના બે સ્વરૂપમાં એક રૌદ્ર સ્વરૂપ એ કાળી ચૌદશ, મહાકાળીના ઉપાસનાનું વિશેષ મહાત્મ્ય
ભારતમાં તહેવારોનું મહાત્મ્ય સવિશેષ છે. લોકો પોતાની શક્તિ મુજબ તહેવારો વિવિધરીતે ઊજવતા હોય છે. દિવાળીના પાંચ દિવસના તહેવારોમાં કાળી ચૌદશનું પર્વ પણ અનોખી રીતે ઊજવવામાં આવે છે. દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. આથી નરક ચતુર્દશી પણ કહેવાય છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે, અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, નરક ચતુર્દશીનો તહેવાર ધનતેરસ અને દિવાળીની વચ્ચે આવે છે. આ વર્ષે નરક ચતુર્દશીનો તહેવાર 11મી નવેમ્બરે ઉજવવામાં આવશે. તેને કાલી ચૌદશ, નરક ચૌદશ, રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશ હિન્દુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે. કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.
દૂર્ગામાતાજીના બે સ્વરૂપો છે. એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર. મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદસની રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય. કેટલાંક લોકો જૂનાં માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે.
કાળી ચૌદશની કથા એવી છે કે, કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. કાળી ચૌદશનાં દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. એક પૌરાણિક કથા છે કે, નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો. આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દસી કે નરક ચતુર્દસી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.