ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બનાવી વર્લ્ડકપની ટીમ,ભારતના આટલા ખેલાડીઓને મળ્યું સ્થાન
મુંબઈ: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ટીમ માટે 11 ખેલાડીઓના નામ પસંદ કર્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ટીમમાં ભારતના 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને બનાવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ઓપનર તરીકે ક્વિન્ટન ડી કોક અને ડેવિડ વોર્નરને પસંદ કર્યા છે, જ્યારે ત્રીજા સ્થાન માટે ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રની પસંદગી કરી છે. ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીને નંબર-4 બેટ્સમેન તરીકે સ્થાન મળ્યું છે. સાથે જ વિરાટ કોહલીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઉપરાંત મિડલ ઓર્ડરમાં એડન માર્કરામ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેન છે. સાથે સાઉથ આફ્રિકાના ખેલાડી માર્કો જાનસેન અને ભારતીય દિગ્ગજ રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારતીય ખેલાડીઓ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને આ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પાને સ્પિનર તરીકે સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વકપ 2023માં ભારતની અત્યાર સુધીની સફર જોરદાર રહી છે, ભારત અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી, ભારતે અત્યાર સુધીમાં બધી જ મેચ જીતી છે, અને હવે ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ટક્કર થવા જઈ રહી છે.