વંદેભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ ટ્રેનો ઉપર પથ્થરમારાઓની ઘટનાઓમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં રેલવે ટ્રેક ઉપર દોડતી ટ્રેનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ અટકી રહી નથી. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીમાં ટ્રેનો ઉપર પથ્થરમારાની 300 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આ ગયા વર્ષ કરતાં વધુ છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે, જે ટ્રેનો સૌથી વધુ પથ્થરમારાનો ભોગ બની છે તેમાં વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. તેના માટે બે કારણો મહત્વના હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રથમ તેમની ચમક અને બીજું તેમની ઝડપ. ગયા મહિને ઓક્ટોબરમાં જ આરપીએફએ ટ્રેનો પર પથ્થરમારો કરનારા 33 લોકોને પકડ્યા હતા. તેમાંથી મોટાભાગના 18 થી 25 વર્ષની વયના હતા.
ટ્રેનોમાં પથ્થરમારાની ઘટનાઓ અને આ આરોપમાં પકડાયેલા આરોપીઓ અંગે આરપીએફ દ્વારા અભ્યાસ કરાયો હતો. જેમાં એવું જાણવા મળ્યું છે કે, ટ્રેનો પર પથ્થરમારો કરનારા મોટાભાગના લોકો 12-13 વર્ષથી 25 વર્ષની વય જૂથના છે. તેમાં પણ સગીર બાળકો ટ્રેનની ચમક જોઈને તેના અરીસા પર પથ્થર ફેંકે છે. તેઓ સગીર હોવાથી તેમની ધરપકડ કરી શકાતી નથી. પરંતુ કાઉન્સેલિંગ સેશનમાં તેમણે કહ્યું કે, વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની વધુ સ્પીડ અને કાચની બારીઓ જોઈને તેને આ ટ્રેનો ઉપર પથ્થર ફેંકવાનું મન થાય છે.
ઘણા કિસ્સાઓમાં, બાળકો વચ્ચે આ ટ્રેનોના કોચમાંથી એકને પસંદ કરીને તેના પર પથ્થર ફેંકવાની શરત મારવામાં આવી હતી, આવી સ્થિતિમાં, આ ટ્રેનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
રેલવે સૂત્રોનું કહેવું છે કે એવું નથી કે વંદે ભારત અને શતાબ્દી સિવાય અન્ય ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવતો નથી. જેમાં રાજધાની અને અન્ય સુપર ફાસ્ટ અને સામાન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે. પરંતુ પથ્થરમારાની મોટાભાગની ઘટનાઓ વંદે ભારત અને શતાબ્દી ટ્રેનોમાં જ નોંધાઈ રહી છે. ટ્રેનો ઉપર પથ્થરમારાની ઘટનાઓમાં સૌથી મહત્વની ભૂમિકા રેલ્વે ટ્રેકની બાજુમાં રહેતા લોકો દ્વારા ભજવવામાં આવે છે. જ્યાં રહેતા બાળકો કે યુવાનો આ ઘટનાઓને અંજામ આપતા હોય છે. સમય સમય પર, RPF અને સ્થાનિક રાજ્ય પોલીસ પણ તેમને કાઉન્સેલિંગ આપે છે. પરંતુ તેમ છતાં રેલ્વે ટ્રેકની બાજુમાં રહેતા અને ખેતરોમાં કામ કરતા લોકો ક્યારેક આવી ઘટનાઓને અંજામ આપે છે.
આરપીએફના અધિકારીઓનું કહેવું છે કે બહુ ઓછા કિસ્સાઓમાં ષડયંત્રના ભાગરૂપે પથ્થરમારાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલટ અને ગાર્ડ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે મુસાફરોને ઈજા થવાની ઘટનાઓ બહુ ઓછી જોવા મળે છે. પરંતુ કાચ તૂટવાથી કે અન્યથા રેલવેને આર્થિક નુકસાન થાય છે. આરપીએફ અને જીઆરપીની ટીમ આવી બનાવો અટકાવવા માટે પગલા ભરી રહી છે.