દિલ્હીઃ નવી દિલ્હીથીથી દરભંગા જઈ રહેલી ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં બુધવારે સરાય ભૂપત રેલવે સ્ટેશન નજીક ભીષણ આગ લાગતા એક કોચ બળીને ખાક થઈ ગયો હતો જ્યારે અન્ય બે કોચમાં પણ આગથી નુકસાન થયું હતુ. આ દુર્ઘટના દિલ્હી હાવડા રેલવે માર્ગના સરાય ભૂપત રેલવે સ્ટેસન પર બની હતી. આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવે મુસાફરોનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ ટ્રેનમાંથી તમામ મુસાફરો સુરક્ષિત ઉતારી લેવાયા હતા.
રેલવેના જણાવ્યા મુજબ નવી દિલ્હીથીથી દરભંગા જઈ રહેલી ક્લોન એક્સપ્રેસ ટ્રેનમાં આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી, જ્યારે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, ત્યારે તમામ મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ કયા કારણોથી લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનમાં સવાર એક મુસાફરો જણાવ્યું કે, જ્યાં તે બેઠો હતો ત્યાં શોર્ટ સર્કિટ થઈ અને મોટો અવાજ આવ્યો. જેના કારણે ટ્રેનમાં આગ લાગી. અચાનક ધુમાડો વધવા લાગ્યો. અમે લોકો જેમ-તેમ કરીને ટ્રેનથી ભાગ્યા. કેટલાક લોકો બારીમાંથી કૂદી ગયા. ઘણો સમય લાગવા છતા કોઈ આગ બૂજાવવા ન આવ્યું. ટ્રેનમાં જો વ્યવસ્થા હોત તો તાત્કાલિક આગ બૂજાવી શકાત. ભાગ-દોડમાં કેટલાક મુસાફરોને ઈજા થઈ હતી.
ઉત્તર મધ્ય રેલવે CPROએ જણાવ્યું કે, જ્યારે ટ્રેન નંબર 02570 દરભંગા ક્લોન સ્પેશિયલ ઉત્તરપ્રદેશના સરાય ભૂપત રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ત્યારે S-1 કોચમાં ધુમાડો જોઈને સ્ટેશન માસ્ટરે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. અને તમામ મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી લેવાયા હતા. કોઈપણ મુસાફરને કઈ ઈજા કે જાનહાનિ નથી થઈ. કોઈ મુસાફરે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, તેને આગ લાગવાનું કારણ બતાવાયું છે.