સુરતઃ ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. મહિલાઓ નદી કિનારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને છઠ્ઠનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં વસવાટ કરતા ઉત્તર ભારતના રાજ્યોના લોકો છઠ્ઠના પૂજન માટે પોતાના માદરે વતન ગયા છે. જે લોકો વતન જઈ શક્યા નથી એવા લાકો જે શહેરોમાં રહેતા હોય ત્યાં નદી કિનારે જઈને છઠ્ઠનું પૂજન માટેનું આયોજન કરતા હોય છે. ત્યારે સુરતમાં તાપી નદીના કિનારે મહિલાઓએ સૂર્ણ નારાયણની પૂજા કરીને છઠ્ઠનું પૂજન કર્યું હતું.
પ્રકાશ પર્વ દિવાળીના છઠ્ઠા દિવસે બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર ઉત્તર પ્રદેશવાસીઓ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. માદરે વતનથી સુરત આવીને વસેલા બે લાખથી વધુ લોકોએ આ પર્વની ઉજવણી કરી હતી. તાપી કિનારે સૂર્ય ઉપાસનાથી વાતાવરણ અલૌકિક બની ગયું હતું. સુરત શહેરમાં છઠ્ઠ પૂજાનું આયોજન મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં સૌથી મોટું આયોજન ડિંડોલીના ફ્લોરલ ગાર્ડન સામેના છઠ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં એકસાથે દોઢ લાખ જેટલા લોકોએ ઉજવણી કરી હતી.
ઉત્તર ભારતના રાજ્યામાં છઠ્ઠના પૂજનનું વિશેષ મહાત્મ્ય છે. સૂર્ય ઉપાસનાનું પર્વ એવા છઠપૂજાનું અનેરું મહત્વ ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. કથા પ્રમાણે દ્રોપદીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઋષિએ છઠપૂજાનું મહત્વ સમજાવ્યું હતું. આ વ્રત ચોથના દિવસથી જ શરૂ થઈ જાય છે. તે દિવસે વ્રત રહેનારા સ્ત્રીપુરુષ પૂર્ણ બ્રહ્નચર્યનું પાલન કરે છે અને જમીન પર સૂવે છે તથા ફરાળના રૂપમાં ભોજન કરે છે. વ્રતધારી પાંચમના દિવસે આખો દિવસ ઉપવાસ કરે છે અને રાત્રે શેરડીનો રસ, દૂધ, ખીર તથા લાડવા પ્રસાદી રૂપે ગ્રહણ કરે છે. જ્યારે છઠના દિવસે સૂર્યાસ્તને અર્ધ્ય અર્પણ કરે છે અને સાતમના સૂર્યોદયને અર્ધ્ય અર્પણ કરીને વ્રત સંપન્ન કરે છે. એવું કહેવાય છે કે, આ વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ઉપરાંત અનેક રોગોથી મુક્તિ મળે છે.