જૂનાગઢઃ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ – 11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ. સાથો સાથ આ સિદ્ધક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારે ગંદકી ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખીએ.
શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું કે, 33 કરોડ દેવતાઓ વાસ કરે છે, તેવા ગરવા ગિરનાર પરિક્રમા માટે લાખો ભાવિકો પોતાના જીવનને પવિત્ર બનાવવા અને પુણ્યનું ભાથું બાંધવા માટે આવે છે, ત્યારે સંતોનો મત છે કે, કારતક સુદ – 11 થી પૂર્ણિમા સુધીમાં પરિક્રમા કરીએ. તેમજ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રને પૂરતો સહયોગ આપીએ.
અતિ પવિત્ર, દિવ્ય અને રમણીય એવા ગરવા ગિરનારને જાણી-માણીને ખુશીનો પાર રહેતો નથી. ત્યારે આ સિદ્ધ ભૂમિમાં કચરો ન થાય તેની વિશેષ કાળજી રાખીએ. પ્લાસ્ટિકની બોટલ, માવાના કાગળ તેમજ અન્ય ખાદ્ય પદાર્થ વગેરે ગંદકી ન ફેલાઈ તેની પરિક્રમા દરમિયાન પૂરતી તકેદારી રાખીએ. જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જે કચરાના નિકાલની વ્યવસ્થા કરી છે તે રીતે યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરીએ. આમ, ગિરનારમાં જંગલ અને પહાડોનો સમન્વય છે. વૃક્ષો- વનસૃષ્ટિનું જતન કરી સ્વચ્છતા જાળવી, સમયસર ગરવા ગિરનાર પરિક્રમા કરીએ તેઓ ભાવિકોને શેરનાથ બાપુએ અનુરોધ કર્યો છે.
કારતક સુદ-11થી ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરિક્રમા પ્રકૃતિના સાનિધ્યમાં થવાની છે અને સનાતન ધર્મ પ્રકૃતિને પૂજનીય માને છે. સાથે જ પ્રકૃતિનું રક્ષણ આપણો ધર્મ છે. ત્યારે આ પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જાળવી સાચા અર્થમાં પુણ્યના ભાગીદાર બનીએ. એમ ભારતી આશ્રમના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતીએ પરિક્રમા અર્થે આવનાર ભાવિકોને અનુરોધ કર્યો છે.
તેમણે જણાવ્યું કે, ગરવા ગિરનારની પરિક્રમા માટે આવીએ ત્યારે સાથે પ્લાસ્ટિક ન લાવીએ, તેમજ ગંદકી ફેલાવતી વસ્તુઓને જ્યાં ત્યાં ન ફેકીએ સાથો સાથ આપણા વન્યજીવો- વન્ય સૃષ્ટિને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે ભક્તિમય પરિક્રમા કરીએ. આ ગરવા ગિરનારની પરિક્રમા પુણ્યમાં ભાગીદાર બનવા માટે આવીએ ત્યારે પ્રકૃતિને હાનિ ન પહોંચે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ કાળજી રાખીએ. તેઓ મહાદેવ ભારતી બાપુએ ભાવિકોને અનુરોધ કર્યો છે.