ઘોઘાથી દહેજ જતું જહાંજ દરિયાના કાદવમાં ફસાયું, સમુદ્રમાં ભરતી બાદ જહાંજને બહાર કઢાયું
ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી સેવાને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવનગરના સાગરમાં અરબી સમુદ્રનો કાપ ઢસડાઈને આવતો હોય છે. એના લીધે ડ્રેજિંગ પણ કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે ફેરી સર્વિસનું જહાજ ઘોઘાથી 500 મીટર દૂર ફસાઈ જતાં દહેજ જવા નીકળેલા 500 જેટલા મુસાફરો અને 60 જેટલાં વાહનો ફસાઈ ગયાં છે. કાદવમાં ફસાયેલું જહાજ બહાર આવે એ માટે હાલ દરિયામાં ભરતીની બે કલાક સુધી રાહ જોવામાં આવી હતી. અને રાત્રે ભરતી આવતા ટગની મદદથી કાદવમાંથી જહાંજને બહાર કઢાયા બાદ જહાંજને રવાના કરવામાં આવ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ એના સમય પ્રમાણે સાંજે 5:30 વાગ્યે ઊપડ્યું હતું. ઘોઘાથી થોડે જ દૂર કાદવમાં જહાંજ ફસાઈ ગયું હતું. જહાંજના કેપ્ટન સહિત ઓપરેટરોએ કાદવમાંથી જહાંજને બહાર કાઢવાના અનેક પ્રયાસો કરવા છતાં કામિયાબી મળી નહતી. અને બીજીબાજુ જહાંજમાં મુસાફરી કરી રહેલા 500 જેટલા પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા હતા.દરમિયાન તંત્ર પાસે મદદ માગ્યા બાદ જહાજને 2 ટગ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ રાત્રે આઠ વાગ્યા સુધીમાં જહાંજને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી નહતી. ત્યારબાદ દરિયામાં ભરતી આવતા જહાંજને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના સૂત્રોના કહેવા મુજબ ઘોઘાથી હજીરા જઇ રહેલી રો-રો ફેરી બે કલાકના વિક્ષેપ બાદ ફરી શરુ થઇ હતી. ઘોઘાથી સાંજે 5:45 કલાકે હજીરા જવા નીકળેલી ફેરી વળાંક લેતા સમયે પોતાની નિયત ચેનલથી દૂર થઇ હતી. 7:40 વાગ્યે ભરતીનું પાણી ભરાવાનું શરુ થયું છે અને રાત્રે નવ વાગ્યે ફેરી હજીરા તરફ રવાના કરવામાં આવી હતી અને વ્યવસ્થાના ભાગરુપે ફેરી આસપાસ બે ટગ બોટ રાખવામાં આવી છે. પ્રવાસ કરી રહેલા તમામ મુસાફરો સલામત છે. (File photo)