પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કૃષિમેળાનો આજથી પ્રારંભ થશે. આજે તા. 24મી નવેમ્બરથી બે દિવસ માટે યોજાનારા કૃષિ મેળામાં ખેડુતોને વિવિધ પાક તેમજ સરકાર તરફથી મળતી સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લાના 14 તાલુકાઓમાં 14 અને પિયતના નવા સોર્સમાં એક એમ મળી કુલ 15 રવિ કૃષિ મેળા યોજવામાં આવશે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બનાસકાંઠા જિલ્લામાં તા. 24 અને 25 નવેમ્બર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના 14 તાલુકાઓમાં 14 અને પિયતના નવા સોર્સમાં એક એમ મળી કુલ 15 રવિ કૃષિ મેળા યોજવામાં આવશે. જે અંતર્ગત પાલનપુર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું સુરજપુરા ગામ સમસ્ત વાડી, સુરજપુરા, પાલનપુર, લોકનિકેતન સ્કુલ, વિરમપુર, અમીરગઢ, એ.પી.એમ.સી. વડગામ, અજન્તા કોલ્ડ સ્ટોરેજ, ભોયણ તા.-ડીસા, આર્દશ નિવાસી સ્કૂલ ખાતે યોજાશે
આ ઉપરાંત દાંતા, સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) દાંતીવાડા, કે.આર. આંજણા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ, ધાનેરા બક્ષીપંચ કુમાર છાત્રાલય, વિનય વિધ્યામંદિર હાઇસ્કુલ, થરા તા.- કાંકરેજ, નવા માર્કેટયાર્ડ, ભાભર, મહર્ષિ કણાદ હાઈસ્કૂલ, સુઈગામ, ગાયત્રી વિદ્યાલય, થરાદ, સરસ્વતી વિદ્યાલય, લાખણી, એ.પી.એમ.સી.,વાવ ખેત બજાર, ઢીમા તા. વાવ ખાતે આગામી 24 અને 25 નવેમ્બરના રોજ રવિ કૃષિ મેળા યોજાશે. બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ કૃષિ મેળાઓમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોને ઉપસ્થિત રહે અને સરકારની વિવિધ યોજનાઓથી ખેડૂતો માહિતગાર અને લાભાન્વિત બને એ માટે અપીલ કરી છે.