પાકિસ્તાનમાંથી વધુ 10 આંતરાષ્ટ્રીય કંપનીઓએ વ્યવસાય સંકેલ્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનની નબળી સુરક્ષા વ્યવસ્થાને કારણે હવે તેના મોટા સમર્થકો તેને છોડવા લાગ્યા છે. પાકિસ્તાનની આંતરિક અશાંતિ અને આતંકવાદી હુમલાના ભયે વેપારી વાતાવરણને બગાડ્યું છે. તેલ અને ગેસ સંશોધન સાથે સંકળાયેલી 10 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેમના વ્યવસાયો બંધ કરી દીધા છે. હવે પાકિસ્તાનમાં તેલ અને ગેસની શોધ કરતી માત્ર ત્રણ આંતરરાષ્ટ્રીય કંપનીઓ બાકી છે. જેના કારણે પાકિસ્તાનમાં તેલ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થયો છે.
ઉર્જા સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન દર વર્ષે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની આયાત પર 1.91 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમાંથી 1.33 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ અને ડીઝલ પર અને 54 હજાર કરોડ રૂપિયા ગેસ પર ખર્ચવામાં આવે છે. પાકિસ્તાન સરકાર સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે વિદેશી કંપનીઓના ગયા પછી પાકિસ્તાનને વિદેશથી વધુ તેલ અને ગેસ આયાત કરવો પડી શકે છે, જેનાથી આર્થિક સંકટ અને રોકડની તંગીથી પીડિત પાકિસ્તાન માટે વધુ ખરાબ દિવસો આવી શકે છે.
પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, પાકિસ્તાનની પ્રજા હાલ અન્નની સાથે વીજળી અને અન્ય જીવન જરુરી વસ્તુઓની ભારા હાલાકીનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં રાજકીય સંક્ટ પણ ચાલી રહ્યું છે. આગામી મહિનાઓમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનમાં અશાંતિ, રાજકીય અસ્થિરતાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અનેક વિદેશી કંપનીઓ પોતાનો વેપાર-ધંધા બંધ કરી રહ્યાં છે.