અમદાવાદમાં બે અકસ્માતમાં બેનાં મોત, શિવરંજની ક્રોસ રોડ પર બાઈકને ખાનગી બસે ટક્કર મારી
અમદાવાદ: શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જુદા જુદા બે અકસ્માતોમાં એક યુવતી અને એક મહિલાએ જીવ ગુમાવ્યા છે. પ્રથમ અકસ્માત સેટેલાઈટ વિસ્તારમાં સર્જાયો હતો. જેમાં શિવરંજની ચાર ખાતે ખાનગી બસ ટ્રાવેલ્સના બસ ચાલકે સિગ્નલ પર ઊભા રહેલા બાઈકસવાર યુગલને હડફેટે લેતા યુવતીના માથા પર બસના વ્હીલ ફરી વળતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજો બનાવ શહેરના ઈસનપુર વિસ્તારમાં બન્યો હતો. જેમાં ઘર બહાર બેઠેલા એક મહિલાને છોટા હાથીના ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
શહેરમાં રવિવારે સર્જાયેલા બે અકસ્માતોમાં પ્રથમ અકસ્માત સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પર બન્યો હતો. રવિવારે બપોરે આશરે 3 વાગે યુગલ પોતાનો બાઈક GJ 01 LU 7832 લઈ ને બાઈક ચાલક હિરેન પરમાર તથા તેમની થનાર પત્ની હિરલ જાદવ પોતાના ફેબ્રઆરીમાં લગ્ન હોવાથી બંને લગ્નની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. ત્યારે શિવરંજની ચાર રસ્તા ઉપર બંધ સિગ્નલ ઉપર ઉભા હતા તે વખતે એક ખાનગી ટ્રાવેલ્સના બસે બંધ સિગ્નલ ઉપર ઉભેલા બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે બાઈક પાછળ બેઠેલ હિરલ જાદવને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ અકસ્માત થતાની સાથે જ બસ ચાલક ગંભીરસિંહ સિસોદિયા બસ મૂકી ફરાર થતો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઝડપીને ટ્રાફીક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ટ્રાફીક પોલીસે ખાનગી ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા અકસ્માતની વિગતો એવી છે. કે, શહેરના ઈસનપુર વિસ્તારમાં છોટા હાથી ટેમ્પાએ એક બ્રેઝા કાર રોડ પર ઉભી હતી તેને ટક્કર મારી હતી. ત્યારબાદ ડરના માર્યા ભાગીને ઇસનપુર વિસ્તારમાં કેનાલ રોડ પાસે સાંકળી ગલીમાં છોટા હાથી ટેમ્પો દોડાવ્યો હતો. દરમિયાન ગભરાઈ જઈ ટેમ્પાચાલકે બીજો અકસ્માત સર્જ્યો અને ઘરની બહાર બેઠેલી મહિલા કંકુબેન દેવીપૂજકને અડફેટે લેતા મહિલાનો જીવ ગયો હતો. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો કરી હાલ તપાસ શરૂ કરી છે. (પ્રતિકાત્મક તસવીર)