સુરતઃ સચિન GIDC માં કેમિકલ ફેક્ટરીમાં આગ બુઝાયા બાદ 7 કર્મચારીઓની લાશ મળી
અમદાવાદઃ સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 20થી વધારે કર્મચારીઓ દાઝ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જે બાદ ફેકટરીના સંકુલમાં તપાસ કરવામાં આવતા સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આગની ઘટના બાદ આ કર્મચારીઓ ગુમ થયા હતા. આ બનાવને પગલે સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં મધ્યરાત્રિ બાદ કેમિકલ ટેન્કરમાંથી કેમિકલ લિકેજ બાદ આગ લાગી હતી. એટલું જ નહીં ટેન્કરમાં પણ બ્લાસ્ટ થયાનું ચર્ચાઈ રહ્યું છે. આગની ઘટના બની ત્યારે ફેકટરીમાં 150થી વધારે કર્મચારીઓ કામ કરતા હતા. આગને પગલે દોડધામ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં 20થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. બીજી તરફ સાતેક કર્મચારીઓની ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. તેમજ તેમની કોઈ ભાળ મળી ન હતી. આગ બુઝાવ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમ તથા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સાત જેટલા મૃતદેહ મળી આવ્યા હતા.
આગની ઘટનામાં સાતેક જેટલા કર્મચારીઓના મૃત્યની જાણ થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ કંપની સામે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા ફેકટરીમાં કેવી રીતે આગ લાગી તેની તપાસ શરુ કરવામાં આવી છે. આગની આ ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈને ફાયરબ્રિગેડ દ્વારા સમગ્ર વિસ્તારમાં વિવિધ ફેકટરીઓ કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.