સૌરાષ્ટ્રના યાર્ડસમાં રૂ. 3500થી 3900ના ભાવે ખરીદાતું લસણ, સારા ભાવ મળતા ખેડુતોને રાહત
રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં લસણના ભાવ 20 કિલોના 3500થી લઈને 3900 રૂપિયા ઉપજતા ખેડુતોને રાહત મળી છે. હાપા યાર્ડમાં બુધવારે લસણના ભાવ 3,555 રૂપિયા બોલાયા હતા. ગુરૂવારે એ જ લસણના ભાવ 3,900 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં લસણના મણના ભાવ 2500 રૂપિયાથી 3500 રૂપિયા મળ્યા હતા અને ગુરૂવારે લસણની 4000 ગુણીની આવક નોંધાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ હાપા એપીએમસીમાં ગુરૂવારે લસણ, કપાસ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થઈ હતી. જેમાં લસણના ભાવ 3,900 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં ગુરૂવારે 215 જેટલા ખેડૂતો લસણ લઈને પહોંચ્યા હતા. બુધવારે લસણના ભાવ 3,555 રૂપિયા બોલાયા હતા. ગુરૂવારે એ જ લસણના ભાવ 3,900 રૂપિયા ઉપજ્યા હતા. જ્યારે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં લસણના મણના ભાવ 2500 રૂપિયાથી 3500 રૂપિયા ઉપજ્યા હતા. ગુરૂવારે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં ચાર હજાર ગુણી જેટલી લસણની આવક થઇ હતી. લસણની ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે. એક સમય હતો જ્યારે લસણના ભાવ તળિયે ગયા હતા પરંતુ આ વર્ષે ઓછી આવકને કારણે ખેડૂતોને લસણના જોરદાર ભાવ મળી રહ્યા છે.
એપીએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના યાર્ડ્સમાં આ વખતે લસણની આવક પ્રમાણમાં ઓછી છે. જેની સામે વિદેશોમાં સૌરાષ્ટ્રના લસણની ડિમાન્ડ ભરપુર છે, જેના કારણે લસણના ભાવમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં જ લસણના ભાવમાં મણે 800 થી 900 રૂપિયાનો વધારો નોંધાયો છે. વેપારીઓનું માની રહ્યા છે. કે, હજુ પણ લસણમાં મણે 800થી 1000 રૂપિયાનો વધારો થાય તેવી પુરી શક્યતા જોવા મળી છે. છેલ્લા ત્રણ વર્ષથી લસણના ભાવ તળિયે જોવા મળ્યા હતા. 100 રૂપિયા મણ ખેડૂત લસણ ફુંકી મારતો હતો. જો કે આ વર્ષે જે ભાવ મળી રહ્યા છે તે ખુબ જ સારા છે. ખેડૂતોને લસણના પાકમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જે નુકસાની થઇ રહી હતી તેનું આ વળતર કહી શકાય છે. ખેડૂતોને જ્યારે પણ લસણના ભાવ મળતા નથી ત્યારે લસણ ઢોરને ખવડાવી દેતા હોય છે. ખેડૂતોના કહેવા મુજબ હાલમાં દવા,બિયારણ અને ખાતરના ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોને વીધે 4 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જો બિયારણમાં ફેરફાર થાય તો ક્યારેક લસણની ગુણવત્તા વધારે ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા ખૂબ જ જરૂરી છે. જો પુરતા ભાવ ન મળે તો ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળે છે.