રાષ્ટ્રપતિએ વર્ષ 2023 માટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા
દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે વર્ષ 2023 માટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો એ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે પ્રશંસનીય માધ્યમ છે કારણ કે વ્યક્તિગત અને સંસ્થાકીય કાર્યને માન્યતા આપવાથી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા દિવ્યાંગજનોએ અન્ય દિવ્યાંગજનોને તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ મદદ કરવી જોઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વની કુલ વસ્તીના લગભગ 15 ટકા વિકલાંગ વ્યક્તિઓ છે અને તેમનું સશક્તિકરણ ઉચ્ચ પ્રાથમિકતા છે. તેઓ નોંધીને ખુશ હતાં કે છેલ્લા કેટલાક વર્ષોમાં, વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજના વલણમાં પરિવર્તન આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યોગ્ય સુવિધાઓ, તકો અને સશક્તિકરણના પ્રયાસોની મદદથી તમામ દિવ્યાંગજન સમાનતા અને ગૌરવ સાથે જીવન જીવશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ગૌરવની વાત છે કે નવા સંસદ ભવનનો દરેક ભાગ દિવ્યાંગજનો માટે સુલભ છે. તેમણે બધાને આમાંથી શીખવા અને શરૂઆતથી જ દિવ્યાંગજનોની જરૂરિયાતોને સુનિશ્ચિત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આપણે નવીનીકરણને બદલે નવીનતાનો વિચાર કરીને કામ કરવું જોઈએ.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગરીબી નાબૂદી, આરોગ્ય અને સુખાકારી, સારું શિક્ષણ, લિંગ સમાનતા, સ્વચ્છતા અને પીવાનું પાણી વગેરે સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાથી દિવ્યાંગજનના સશક્તિકરણને વિશેષ બળ મળે છે. તેઓ એ નોંધીને ખુશ હતાં કે ભારતે આ લક્ષ્યોને ઉચ્ચ અગ્રતા આપી છે અને તેને હાંસલ કરવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે.
એશિયન પેરા ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારા ખેલાડીઓએ તેમની અદમ્ય જીતની ભાવનાના બળ પર નવો ઈતિહાસ રચ્યો છે. તેમણે નોંધ્યું હતું કે તમામ ખેલાડીઓના પ્રદર્શનમાં સતત નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. તેમમે આ સંદર્ભમાં ડો દીપા મલિક અને શ્રીમતી અવની લેખરા જેવા ખેલાડીઓ દ્વારા ભજવવામાં આવેલી પ્રેરણાદાયી ભૂમિકાની પ્રશંસા કરી.