વેરાવળ-સુરત વચ્ચે ટ્રાફિકના ધસારાને લીધે 12મી ડિસેમ્બરથી વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડશે,
વેરાવળઃ રેલવે દ્વારા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વેરાવળ અને સુરત વચ્ચે ખાસ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલા સિકંદરાબાદ અને વિજયવાડા ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવી છે.
રાજકોટ રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ-સુરત વચ્ચે તા.12મી ડિસેમ્બરથી વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે, રાજકોટ બપોરે 14.50 કલાકે પહોંચશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર, 2023થી 30 જાન્યુઆરી, 2024 સુધી વેરાવળથી દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સુરતથી 19.30 કલાકે ઉપડી રાજકોટ બીજા દિવસે સવારે 04.10 કલાકે અને વેરાવળ સવારે 08.05 કલાકે પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બર, 2023થી 29 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે. અને તેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તા, 6 અને 13 ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 10 અને 17મી ડિસેમ્બર, 2023ના રોજ પુરીથી ઊપડતી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિજયનગરમ, રાયગઢ, ટિટલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. રેલવે મુસાફરોએ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરવાની અને ટ્રેન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે. (FILE PHOTO)