વલસાડઃ જિલ્લાની વાપી GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કેમિકલગેસ લિકેજમાં બે શ્રમિકોને ભોગ લેવાયો છે. કંપનીમાં કેમિકલના ભરેલા ડ્રમ ફેરવતી સમયે કેમિકલ લિકેજ થતા ત્રણ શ્રમિકોને અસર થઈ હતી. જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ કપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીના યુનિટ 2માં મંગળવારે રુટિન કામગીરી ચાલી રહી હતી. કંપનીમાં કામ કરતા શ્રમિકો પૈકી 41 વર્ષીય ગોરેલાલ નંદકિશોર મંડલ, 37 વર્ષીય દિલીપ શ્યામસુંદર તાંતી અને ભુનેશ્વર જગદીશ મંડલ સહિતના કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ કંપનીના અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. અન્ય કામદારો કંપનીમાં અલગ અલગ જગ્યાએ તેમને સોંપવામાં આવેલી કામગીરીઓ કરી રહ્યા હતા. જતે દરમિયાન કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લીકેજ થતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીના કામદારોએ તાત્કાલિક ઘટનાની જાણ શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોને કંપનીના કેમિકલ ભરેલા ડ્રમમાંથી કેમિકલ લીકેજ થતા ગેસ ગળતરની ઘટના બની હોવાની જાણ કરી હતી. આથી શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોએ તાત્કાલિક કંપનીના ડોક્ટરોની મદદ લઈ ગેસ ગળતરની ઘટનામાં પ્રભાવિત થયેલા 3 શ્રમિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે 41 વર્ષીય ગોરેલાલ નંદકિશોર મંડલ અને 37 વર્ષીય, દિલીપ શ્યામસુંદર તાંતીને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે ભુવનેશ્વર જગદીશ મંડળને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ વાપી GIDC પોલીસની ટીમ તથા વાપી GIDC પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને કામદારોની લાશનો કબજો મેળવી લાશનું PM કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે કંપનીના મેનેજરે બનાવવા અંગે વાપી GIDC પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વાપી GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં બે શ્રમિકના મોત થતાં પોલીસ દ્વારા GPCB અને FSLની ટીમની મદદ મેળવી સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. કંપનીના CCTV ફૂટેજ અને કેમિકલ કંપનીના જરૂરી નોમ્સ મુજબ કંપની કામદારોને સેફટી કીટ આપી હતી કે કેમ અને ન આપી હતી તો કેમ જે બાબતે તપાસ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. કામદારો અને મૃતક કામદારોના પરિવારોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. કંપની સંચાલકોની બેદરકારી સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.