છત્તીસગઢના સીએમ બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન આવ્યું સામે,સૌથી પહેલા કરશે આ કામ
રાઈપુર:છત્તીસગઢના સીએમ બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ પીએમ મોદીની ગેરંટી પૂરી કરશે અને ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પૂરા કરશે. તેમણે કહ્યું કે હું દરેકના ભરોસા માટે પૂરી ઈમાનદારી સાથે કામ કરીશ અને ‘મોદીની ગેરંટી’ હેઠળ છત્તીસગઢની જનતાને આપેલા વચનો પૂરા કરીશ. તેમણે કહ્યું કે અમારું પહેલું કામ લોકોને 18 લાખ ઘર આપવાનું રહેશે.
સાયએ એમ પણ કહ્યું કે 25મી ડિસેમ્બરે અટલજીનો જન્મદિવસ છે, તે દિવસે રાજ્યના તમામ ખેડૂતોના ખાતામાં 2 વર્ષનું બોનસ આપવામાં આવશે.
વિષ્ણુ દેવ સાય સાહુ (તેલી) સમુદાયના છે. તેમનો જન્મ જશપુરમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ખેડૂત હતા. છત્તીસગઢ મધ્યપ્રદેશથી અલગ થયું તે પહેલાં, તેમણે 1990-98 ની વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 માં, વિષ્ણુ દેવ સાયએ કુંકુરી મતવિસ્તારમાંથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય યુડી મિંજને હરાવીને જીત મેળવી હતી.
અજીત જોગી પછી વિષ્ણુ દેવ છત્તીસગઢના બીજા આદિવાસી મુખ્યમંત્રી બન્યા છે. તેઓ પીએમ મોદીની પ્રથમ કેબિનેટમાં કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી હતા. વિષ્ણુ દેવ સાય 2020 થી 2022 સુધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે. આ સિવાય તેઓ રાયગઢથી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. વિષ્ણુ દેવે રાયગઢ મતવિસ્તારમાંથી 1999 થી 2014 સુધી સતત ચાર લોકસભા ચૂંટણી જીતી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં વિષ્ણુ દેવને ટિકિટ આપવામાં આવી ન હતી.