અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દોડતી વસ્ત્રાલથી થલતેજના રૂટ પરની મેટ્રો રેલ સેવા આજે 13 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. શહેરના કાંકરિયા મેટ્રો સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે આગામી દિવસોમાં આ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરાશે. તેથી મેટ્રો રેલ સુરક્ષા કમિશનર દ્વારા આજે બુધવારે કાંકરિયા પૂર્વ મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવશે. જેના પગલે આ મેટ્રો રેલ સેવા બંધ રાખવામાં આવશે.
અમદાવાદ મેટ્રો સેવાને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ મેટ્રો રેલ સેવા શરુ કરવામાં આવી હતી. મેટ્રો રેલ સેવા નાગરિકોને સારી સુવિધા પુરી પાડી રહી છે. શહેરીજનો હવે ગીચ ટ્રાફિકમાં ટુ-વ્હીલર, રિક્ષા, કાર જેવા વાહનો ચલાવવાને બદલે મેટ્રોમાં સવારી કરવાનું પસંદ કરી રહ્યા છે. શહેરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન તૈયાર કરી દેવાયું છે. અને તેનું મહિનામાં લોકાર્પણ કરાશે
મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ આજે તા.13 ડિસેમ્બર, 2023ને બુધવારના રોજ મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ)નું નિરીક્ષણ કરશે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનરનાં નિરીક્ષણ માટે આજે ઈસ્ટ-વેસ્ટ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ) મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 2.00 કલાકથી સાંજે 5.00 કલાક દરમિયાન સ્થગિત રહેશે. માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 1.00 કલાકનો રહેશે. સાંજે 5.00 કલાકથી મેટ્રો ટ્રેન સેવાઓ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે. જ્યારે નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.