ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું
- વિધાનસભામાં ‘આપ’નું સંખ્યાબળ ઘટી ચાર ઉપર પહોંચ્યું
- ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શકયતા
- વર્ષ 2022 સાથે ભાજપ સાથે છેડો ફાડી ‘આપ’માં જોડાયા હતા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપતા વિધાનસભાની એક બેઠક ખાલી પડી હતી. ભૂપત ભાયાણી આગામી સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું સંખ્યા બળ ઘટીને ચાર થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે સવારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળ્યાં હતા. તેમજ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ભૂપત ભાયાણી વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. સરપંચથી ધારાસભ્ય પદ સુધી પહોંચનાર ભૂપતભાઈ વર્ષે 2022માં ભાજપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયાં હતા. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને વિસાવદર બેઠક ઉપરથી ટીકીટ ફાળવી હતી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવીને તેઓ ધારાસભ્ય બન્યાં હતા. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જે ઘટીને હવે ચાર બન્યું છે. હવે આગામી દિવસોમાં આ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે. બીજી તરફ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શકયતા છે.
રાજીનામુ આપ્યા બાદ ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને પ્રજાના કામ કરવા છે. પહેલા ભાજપનો જ કાર્યકર્તા હતો.ભાજપમાં 22 વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે. તમામ કાર્યકરો સાથે વાત કરીને રાજીનામાનો નિર્ણય લીધો છે.