યાત્રાધામ અંબાજીનો રૂપિયા 2000 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે, ‘ જય મા કોરીડોર’ બનાવાશે
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્તરીતે આયોજન કર્યું છે. જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજી માતાજીના મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસના વિસ્તારના વિકાસના વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. જેનો ડેવલપપ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગની અડધો ડઝન સ્કીમ તૈયાર કરવામાં આવી છે. અને તબક્કાવાર વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ જણાવ્યું હતું કે, અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે, .અન્ય કોરીડોર નીમાફક “જય મા કોરીડોર” પણ અંબાજી ખાતે બનાવાશે. યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેને ધ્યાને લઈને લગભગ 2000 કરોડના પ્રોજેક્ટ અમલમાં મુકાશે. જેમાં અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન, તથા ગટર, પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં વિકાસના કામોની કામગીરી શરૂ કરાશે, અંબાજીના વિકાસ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અને સરકારની મંજૂરી હેઠળ છે. મંજુરી મળ્યા બાદ 6 ટીપીની કામગીરી પણ શરૂ કરાશે. જ્યારે ટીપી બનશે એટલે અમદાવાદ અને સુરતમાં જેમ વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજીના આજુબાજુના વિસ્તારમાં પણ થશે.
યાત્રાધામ અંબાજીમાં અડધો ડઝન ટાઉન પ્લાનિંગની સ્કીમનું આયોજન હાથ ધરાશે. દેશમાં શહેરોનો આંતર રાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શહેરોની પસંદગી કરવા માટે 15માં ફાઇનાન્સ કમિશન હેઠળ ન્યૂ સિટીઝ ઇનિશીએટીવ્ઝ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક ટુરીઝમની થીમ પર અને ગિફ્ટ સિટીને નોન મોટરરાઇડ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી 12 શહેરને ડેવલપ કરવા માટે વિવિધ રાજયો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. આ દરખાસ્તમાં વિવિધ રાજયોએ 28 શહેરને ડેવલપ કરવા માટેની દરખાસ્ત મોકલી છે. આ પૈકી 12 શહેરોની પસંદગી કરાશે. ગુજરાતે અંબાજી અને ગીફટ સીટી એમ બે શહેરોની દરખાસ્ત મોકલી છે.