સંસદની સુરક્ષામાં ચૂકઃ એક આરોપીએ પોતાની જાત સળગાવાનો પ્લાન બનાવ્યો હતો
નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે પોલીસની તપાસમાં રોજ નવા-નવા વળાંક સામે આવી રહ્યાં છે. દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશલ સેલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપી સાગર શર્માએ સંસદની બહાર પોતાની જાતને સળગાવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, કેટલાક કારણોસર આ પ્લાનને આરોપીએ પડતો મુક્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ ગુગલ ઉપર સર્ચ કરીને કેટલીક માહિતી પણ એકત્ર કરી હતી.
દિલ્હી પોલીસ સમક્ષ સાગરે જણાવ્યું હતું કે, તે પોતાની જાતને સળગાવવાનો હતો, સંસદની બહાર પોતાની જાતને સળગાવાનો પ્લાન બનાવ્યો હતો. આગ લગાવવા માટે જેલ જેવી વસ્તુ ઓનલાઈન મંગાવવાનો હતો. જો કે, ઓનલાઈન પેમેન્ટ નહીં થતા જેલની ખરીદી કરી શક્યો ન હતો. જેથી સંસદની બહાર પોતાની જાતને સળગાવાનો પ્લાન પડતો મુક્યો હતો. આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે એક-બે નહીં પરંતુ સાત સ્મોક કેન લઈને પહોંચ્યાં હતા. આરોપીઓએ ગુગલના મારફતે સંસદભવનના આસપાસના વિસ્તારને સર્ચ કરીને માહિતી એકત્ર કરી હતી. એટલું જ નહીં સંસદની સુરક્ષાને લઈને કેટલાક જુના વીડિયો પણ સર્ચ કરીને જોયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે સેફ ચેટ કેવી રીતે કરાય તેની માહિતી પણ સોશિયલ મીડિયા મારફતે એકત્ર કરી હતી.
તાજેતરમાં સંસદ ભવનમાં પ્રેક્ષક ગેલરીમાંથી બે શખ્સો કુદયા હતા અને પોતાની પાસેના સ્મોક કેનનો ઉપયોગ કર્યો હતો. જેથી ગૃહમાં ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યાં હતા.