પાલનપુરઃ બનાસકાંઠામાં માથાભારે ખનીજચોરો તંત્રને પણ ગાંઠતા નથી. ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે માથાભારે ખનીજ માફિયાઓ બાતમીદારો રાખીને ખનીજ સ્વોર્ડની માહિતી મેળવી લેતા હોય છે. હવે તો ખનીજ માફિયાઓએ નવો જ કીમિયો અપનાવ્યો છે. ખાણ-ખનીજ વિભાગની સરકારી કારમાં કોઈ ખનીજ માફિયાએ જીપીએસ સિસ્ટમ લાગાવી દીધી હતી. એટલે સરકારી કારમાં અધિકારીઓ ક્યાં જાય છે. એની માહિતી પહેલાથી જ મળી જતી હતી. આ બાબતની જાણ થતાં જ ખાણ-ખનીજ વિભાગ દ્વારા પોલીસમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓએ નવો કીમિયો અપનાવ્યો છે. ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ અજાણ્યા શખ્સોએ જીપીએસ લગાવી દીધુ હતું. ખાણ ખનીજ વિભાગની કાર કઈ જગ્યાએ દરોડા પાડવા જાય છે તે જાણવા જીપીએસ લગાવ્યું હતું. ઘટનાની જાણ ખાણ ખનીજ વિભાગને થતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સરકારી કાર પાછળ જીપીએસ લગાવવા મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સરકારી કારના ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, બનાસકાંઠા જિલ્લાની ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં 30 સપ્ટેમ્બર 2023નું એક બોર્ડ લગાડવામાં આવ્યું છે. જે બોર્ડમાં ખનીજનું વહન કરનારા વાહનો પર GPS સિસ્ટમ આધારિત VTD લગાડવું અનિવાર્ય હોવાનું ટાંકવામાં આવ્યુ છે. પરંતુ થયું છે અલગ જ. જિલ્લાના ખનીજ માફિયાઓ દ્વારા જિલ્લા ભૂસ્તર વિભાગની સરકારી ગાડીમાં જ જીપીએસ ટ્રેક લગાવી દીધું હતું. ખનીજ વિભાગની કારમાં કોઈ અજાણ્યા ઈસમોએ ગાડીની ડીઝલ ટાંકી પર જીપીએસ ટ્રેક લગાવી દીધું હતું. GPS ડિવાઇસમાંથી એક સીમકાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.