પાટણઃ સિદ્ધપુરમાં એક આંગડિયા પેઢીને લૂટ કરવાના ઈરાદે આવેલી લૂંટારૂ ટોળકીના 6 શખસોને પોલીસે દબોચી લીધા હતા. લૂંટારૂ શખસો પાસેથી વાહનો, ધાતક હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલે જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા સૂચના આપતા નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયાના સીધા માર્ગદશન હેઠળ સિધ્ધપુર પીઆઈ જે.બી. આચાર્ય અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સિધ્ધપુર ગંજ બજારના ગેટ પાસે આવતા બાતમી મળી હતી કે, સિધ્ધપુર ગંજ બજારમાં HM આંગડીયા પેઢી નજીક વેગેનાર ગાડી તથા પ્લસર મોટર સાયકલ સાથે કેટલાક ઇસમો લૂંટ કરવાના ઇરાદે ફરી રહ્યા છે. જેથી હકીકત વાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે જઇ તપાસ કરતા વેગેનાર ગાડી તથા પ્લસર મોટર સાયકલ સાથે છ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.વાહનોની ઝડતી કરતાં પ્રાણઘાતક હથિયારો તથા મરચાની સુકી ભૂકી મળી આવતાં શંકાસ્પદ ઇસમોની યુકતિ પ્રયુકિતથી ઊંડાણપુર્વક પુછપરછ કરતાં શંકાસ્પદ ઇસમ કિશનસિંહ હિરભા દરબાર સિધ્ધપુરનો રહેવાશી હોઈ અને તેણે આગડીયા પેઢીની તથા તેના માલીકના રહેણાંક સુધી અવાર નવાર રેકી કરી પેઢીના શેઠ સાંજના સાતેક વાગ્યાની આસપાસ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા લઇ જતાં હોવાની ટીપ મેળવી અન્ય સાગરિતોને ટીપ આપતાં બધા ભેગા મળી પ્લાનીંગ કરી આંગડીયા પેઢીના શેઠની આંખોમાં મરચાની ભુકી નાખી પ્રાણધાતક હથિયારોનો ઉપયોગ કરી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા. પોલીસે ધાડપાડુ ગેંગને પ્રાણઘાતક હથિયારો લોખંડનો છરો તથા લોખંડની છરી તથા લોખંડની પાઇપો તથા લાકડાના ધોકા તથા વેગેનાર કાર તથા પ્લસર મોટર સાયકલ સાથે પકડી સિધ્ધપુર પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
સિદ્ધપુર ડી વાય એસ પી કે. કે પંડ્યાએ જણાવ્યું હતું કે 6 આરોપી આંગડીયા પેઢીના માલીકની રેકી કરી તેને આતરી લૂંટ કરવાની ફિરાકમાં હતા જોકે પોલીસે 6 આરોપીને બાતમીના આધારે ઝડપી પડ્યા છે..