રાજકોટમાં માલવિયા ચોકથી ત્રિકોણ બાગ સુધીના રસ્તાને પહોળો કરાશે, અસરગ્રસ્તોને વળતર અપાશે
રાજકોટઃ શહેરમાં માલવિયા ચોકથી ત્રિકાણ બાગ સુધીના રોડ પર ભરચક ટ્રાફિક રહેતો હોવાથી આ રસ્તાને પહોળો કરવાનો આરએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ પહોળો કરવા માટે આ વિસ્તારની દુકાનો અને મકાનોમાં કપાત આવશે. અને અસરગ્રસ્તોને વળતર આપવામાં આવશે. મ્યુનિ. દ્વારા આ અંગેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધી ભારે ટ્રાફિક રહેતો હોય વારંવાર ટ્રાફિકજામ સમસ્યા વિકટ બની છે. આ સમસ્યા નિવારવા માટે મ્યુનિ દ્વારા ત્રિકોણબાગ ચોકથી માલવીયા ચોક સુધીનાં લાખાજીરાજ માર્ગની બન્ને બાજુ દોઢ-દોઢ મીટર કપાત કરીને આ રસ્તો પહોળો કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં કપાત અસરગ્રસ્તો સાથે મ્યુ. કમિશ્નરની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહદઅંશે બધા સહમત હોવાથી ટૂંક સમયમાં આ માટે આગળની કામગીરી હાથ ધરાશે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્ત મુકવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ત્રિકોણબાગથી માલાવીયા ચોક સુધીના હયાત રસ્તાની પહોળાઇ 20 મીટરની છે. લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની કપાત બાદ સરેરાશ 23 મીટરનો રસ્તો બનશે. જેમાં બંને બાજુ દોઢ દોઢ મીટર એટલે 4.92 ફૂટની કપાત કરી રસ્તો કુલ 9.84 ફૂટ પહોળો કરાશે. આ માટે ત્રિકોણબાગ ચોકથી માલવીયા ચોક સુધીનો કુલ 371 મીટર લંબાઇનો રસ્તો પહોળો કરવા 1611.17 ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની થાય છે. આ રોડ ઉપરની બે સરકારી મિલકત અને 18 ખાનગી મિલકત સહિત કુલ 20 મિલકતોમાં કપાત કરવામાં આવશે. મ્યુનિ.કમિશનર સાથે અસરગ્રસ્તોની મહત્વની બેઠક સોમવારે સાંજે યોજાઈ હતી. આ મિટિંગમાં વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં મહદઅંશે બધા સહમત હોવા છતાં અસરગ્રસ્તોને આગામી એક સપ્તાહ સુધીમાં વળતરનો વિકલ્પ પસંદ કરી મ્યુનિ.ને જાણ કરવા જણાવાયું છે, ત્યારબાદ તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવશે. આ દરખાસ્ત બાદ ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી કામગીરી શરૂ કરવામાં આવશે. આ રસ્તો પહોળો થતા લાખો વાહનચાલકોને તેનો લાભ મળશે. (File photo)