રાયપુરઃ છત્તીસગઢમાં વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવ જેટલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જેમાં 4 નવા મંત્રીઓ જોડાયા હતા. રાજભવનમાં કેટલાક જૂના મંત્રીઓએ શપથ લીધા. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને કુલ 9 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટના વિસ્તરણ બાદ સીએમ વિષ્ણુદેવ સાંઈ દિલ્હી જવા રવાના થયાનું જાણવા મળે છે. તેઓ દિલ્હીથી પરત ફર્યા બાદ મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવ્યાં છે.
છત્તીસગઢમાં સીએમ વિષ્ણદેવ સરકારમાં મંત્રી તરીકે રામ વિચાર નેતામ, ઓ.પી.ચૌધરી, બ્રીજમોહન અગ્રવાલ, દયાલદાસ બઘેલ, કેદાર કશ્યપ, શ્યામ બિહારી જયસ્વાલ, લક્ષ્મી રજવાડા, ટંકરામ વર્મા અને લખન લાલ દિવાંગન શપથ લીધા હતા. કેબિનેટમાં 13 મંત્રીઓને સમાવી શકાય તેમ છે. જેથી આગામી સમયમાં ફરીથી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન આજે શપથ ગ્રહણ કરનારા મંત્રીઓને આગામી દિવસોમાં ખાતાઓની વહેંચણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ગત 3 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજ્ય થયો હતો. જ્યારે મિઝોરમમાં ઝેડપીએમ અને તેલંગાણામાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. તમામ રાજ્યોમાં નવી સરકારના શપથવિધી બાદ તેમણે પોતાના રાજ્યના વિકાસની દિશામાં કામગીરી શરુ કરી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ પાંચ રાજ્યની ચૂંટણીઓને મહત્વની માનવામાં આવતી હતી. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે.