કાશ્મીરઃ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી
નવી દિલ્હીઃ જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીની આતંકીઓએ પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જવાનોએ ચાર ઘુસણખોરો આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તાર તરફ આવતા જોયા હતા. જેથી તેમને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. જેની લાશ આથંકવાદીઓ લઈ જતા જોવા મળ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘુસણખોરોને પાકિસ્તાન તરફથી પુરુ સમર્થન મળી રહ્યું છે. ઘુસણખોરો સરહદ પાર કરીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ ભારતીય જવાનોનું ધ્યાન ભટકાવવા માટે પોતાની એક પોસ્ટમાં આગ ચાંપી હતી. જો કે, પાકિસ્તાની સેનાની આ ચાલ સફળ રહી ન હતી. તેમજ ભારતીય જવાનોએ તાત્કાલિક ઘુસણખોરો ઉપર ગોળીબાર શરુ કર્યો હતો. જે પૈકી એક ઘુસણખોરનું મોત થયું હતું.
અધિકારીઓએ ઘુસણખોરીની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે, આતંરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા કરનાર જવાનોએ આજે સવારે ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં હથિયારો સાથે આ ચારેય આતંકવાદીઓ અખનૂર સેક્ટરમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે જવાનોએ ઘુસણખોરો ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ઘુસણખોરને ગોળી વાગતા ઢળી પડ્યો હતો. આતંકવાદીના મૃતદેહને તેના સાથીદારો ખેંચીને પાકિસ્તાન તરફ જતા રહ્યાં હતા. સર્વિલાન્સ ડિવાઈસ મારફતે રાતના અંધારામાં આ આતંકીઓની ઘુસણખોરી જોવા મળી હતી.
ભારત ગુજરાતથી લઈને જમ્મુ સુધી પાકિસ્તાન સાથે આતંરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. જમ્મુની નજીક જ કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ એટલે કે એલઓસીની શરુઆત થાય છે.