વલસાડ: શહેરમાં સિટીબસના બે ચાલકો દારૂના નશામાં રાજાપાઠમાં આવી ગયા હતા. અન્ય સિટીબસના ચાલકોએ બન્ને દારૂડિયા ચાલકોને ટપારતા ઉશ્કેરાયેલા બન્ને ચાલકોએ ધમાલ કરતા ફરજ પરના અધિકારીએ બન્ને ચાલકોને સસ્પેન્ડ કરી દેતા નશાબાજ બન્ને ચાલકો ઓફિસના કેશબોર્ડ પર લટકતી તમામ પાંચ સિટીબસની ચાવીઓ લઈને નાસી જતાં શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ વલસાડ શહેરમાં સીટી બસ સેવા ચાલે છે. કુલ 5 બસો શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવરજવર કરે છે. જો કે આ સીટી બસ સેવાના બે ડ્રાઇવરો દારૂના નશામાં ડેપો પર પહોંચ્યા હતા. અને ત્યારબાદ બસના અન્ય બસના ડ્રાઇવર સાથે બબાલ કરી હતી અને અન્ય એક બસના ડ્રાઈવરને માર માર્યો હતો. આથી ડ્રાઇવરોને ફરજ મુક્ત કરવામાં આવતા આ દારૂડિયા ડ્રાઇવર સીટી બસ સેવાની તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ ગયો હતો. આથી ડેપો પર દોડધામ મચી ગઈ હતી. બસની ચાવીઓ ન હોવાથી કલાકો સુધી શહેરમાં બસ સેવા ખોરવાઈ હતી. આખરે આ દારૂડિયા ડ્રાઇવરોની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે પોલીસને રજૂઆત કરી હતી. આથી વલસાડ શહેર પોલીસે પણ આ મામલામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્યારે તો દારૂડિયા ડ્રાઇવરોએ સિટી બસ સેવાને બાનમાં લેતા બસ સેવા ખોરવાયાની આ ઘટના શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.