અમેરિકા ધૂસણખોરીના ઈરાદે જતાં 96 ગુજરાતી સહિત 260 પ્રવાસીના ખાનગી વિમાનને પેરિસમાં રોકી દેવાયું
અમદાવાદઃ દેશમાંથી વિદેશ જવાનો સૌથી વધુ મોહ ગુજરાતીઓમાં જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો વિદેશમાં ખાસ કરીને અમેરિકા જવા માટે એજન્ટો સાથે લાખો રૂપિયાનો સોદો કરતા હોય છે. તાજેતરમાં ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર ફ્યુઅલિંગ માટે લેન્ડ થયેલા ખાનગી વિમાનમાં મુસાફરી કરતા 260 જેટલા ભારતીય મુસાફરોને માનવ તસ્કરી હેઠળ લઇ જતા હોવાની આશંકાને પ્રવાસીઓની પૂછપરછ કરવામાં આવતા ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હોવાનો ખૂવાશો થયો હતો. ખાનહી વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતના 260 મુસાફરો પૈકી 96 મુસાફરો ગુજરાતીઓ છે. જ્યારે અન્ય મુસાફરો, પંજાબ , હરિયાણા સહિતના રાજ્યોના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર ફ્યુઅલ માટે લેન્ડ થયેલા વિમાનમાં 260 પ્રવાસીઓ હતા. સ્થાનિક સિક્યુરિટી એજન્સીએ તપાસ કરતા એવી હકિકત જાણવા મળી હતી. કે, તમામ પ્રવાસીઓને દુબઇથી ખાસ ભાડે કરાયેલા વિમાનમાં નિકારાગુઆ એરપોર્ટ પર લઇ જવામાં આવી રહ્યા હતા. જ્યાંથી તેમને મેક્સિકો લાઇનથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલવાના હતા. જે અત્યાર સુધીમાં કરવામાં આવતી કબુતરબાજીનું આ સૌથી મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર શુક્રવારે 260 ભારતીયોને લઇને જઇ રહેલું ખાનગી વિમાન ફ્યુઅલિંગ માટે લેન્ડ થયું હતું. જે નિયમિત ફ્લાઇટ ન હોવાને કારણે પેરિસની એરપોર્ટ ઓથોરિટીએ તપાસ કરતા તે સેન્ટ્લ અમેરિકા પાસે આવેલા નિકારાગુઆ દેશના એરપોર્ટ પર જઇ રહ્યું હતું. આ રૂટ પરથી સૌથી વધારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુષણખોરી કરવામાં આવતી હોવાનું કહેવાય છે. અને વિમાનમાં 260 જેટલા ભારતીય મુસાફરો હોવાથી શંકાને આધારે વિમાનને રોકીને પુછપરછ કરવામાં આવતા તમામ ભારતીય લોકો ગેરકાયદેસર રીતે મેક્સિકો લાઇનથી અમેરિકા જતા હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે સ્થાનિક એથોરિટીએ વિમાને જપ્ત કરીને આ અંગે ભારતીય એમ્બેસીને જાણ કરીને પેસેન્જરોના યાદી પણ મોકલવામાં આવી હતી.જેમાં 96 જેટલા ગુજરાતીઓ છે. આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપુત સમાજના હોવાનું કહેવાય છે. જે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના રહેવાસી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર રેકેટ દિલ્હીનો કથિત આરોપી શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદથી ચલાવતો હતો. તે અમેરિકા જવા ઇચ્છતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા લેતો હતો. જેમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાથી માંડીને મેક્સિકો લાઇન સુધીની લીંકને સાચવતો હતો. શશી રેડ્ડી અને તેની સાથે સંકળાયેલા લોકો અગાઉ પાંચ ફ્લાઇટમાં પેરિસ એરપોર્ટથી જ ફ્યુઅલિંગ કરાવી ચુક્યા હોવાનો ખુલાસો થયો છે. આમ, તેણે 1200 વધારે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, એજન્ટો દ્વારા પ્રવાસીઓને ભારતથી દુબઇ લઇ જવાતા હતા. જ્યાંથી ખાનગી એરલાઇનનું વિશેષ વિમાન કરોડો રૂપિયાના ભાડે કરીને પ્રવાસીઓને દુબઇથી નિકારાગુઆ એરપોર્ટ લઇ જવાતા હતા. જો કે આ રૂટ પર વિમાનમાં ફ્યુઅલિંગ જરૂરી હોવાથી પેરિસ એરપોર્ટ ઉતરવું જરૂરી હોય છે. ત્યારબાદ નિકારાગુઆ પહોચીને ત્યાંથી 3200 કિલોમીટરનો રસ્તો કાર કે અન્ય વાહનમાં કાપીને મેક્સિકો બોર્ડરથી અમેરિકા મોકલવાના હતા. અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલવા માટે વિવિધ પેકેજ ઓફર કરવામાં આવતા હતા. જેમાં એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 80 લાખની રકમ અને થોડી વધારે સુવિદ્યા જોઇતી હોય તો તે રકમ એક કરોડ સુધીની હતી.