‘ભારત-રશિયા સંબંધો હંમેશા મજબૂત રહેશે’,વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં આપ્યું મોટું નિવેદન
- વિદેશ મંત્રી રશિયાના પાંચ દિવસના પ્રવાસે
- જયશંકરે મોસ્કોમાં આપ્યું મોટું નિવેદન
- ‘ભારત-રશિયા સંબંધો હંમેશા મજબૂત રહેશે’
દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પાંચ દિવસના પ્રવાસે છે. રશિયાના વિદેશ મંત્રી અને અન્ય ટોચના નેતાઓને મળ્યા પહેલા એસ જયશંકરે રશિયામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે,ભૌગોલિક અને વ્યૂહાત્મક પરસ્પર નિર્ભરતાને કારણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહેશે. જયશંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, તેઓ બંને દેશોમાં કનેક્ટિવિટી વધારવા, પ્રાદેશિક સંઘર્ષ વગેરે જેવા મુદ્દાઓ પર રશિયન નેતાઓ સાથે વાત કરશે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ સમગ્ર વિશ્વમાં રશિયાના આ પગલાની ટીકા થઈ હતી પરંતુ ભારે દબાણ છતાં ભારતે તેના જૂના મિત્ર દેશની ટીકા કરી નથી. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે યુદ્ધની વિરુદ્ધ છે, પરંતુ ભારતીય નેતૃત્વએ ખુલ્લેઆમ રશિયાની ટીકા કરવાનું ટાળ્યું અને કહ્યું કે આ વિવાદનો ઉકેલ કૂટનીતિ અને વાતચીત દ્વારા થવો જોઈએ.યુક્રેન સાથેના યુદ્ધ બાદ ભારતે મોટા પ્રમાણમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી છે. રશિયામાં જયશંકર રશિયાના નાયબ વડા પ્રધાન અને ઉદ્યોગ અને વેપાર પ્રધાનને મળશે. જયશંકર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને પણ મળશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રી વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રો પર પણ વાત કરશે.