RBI કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાઈ
- એચડીએફસી બેંક સહિત અન્ય 11 સ્થળોને પણ ઉડાવી દેવાની ધમકી
- તમામ સ્થળો ઉપરથી કંઈ શંકાસ્પદ ન મળ્યું
- સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આરબીઆઈ કાર્યાલય અને એચડીએફસી બેંક સહિત 11 જેટલા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અજાણ્યા શખ્સોએ ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બોમ્બથી ધમકીને પગલે પોલીસ તંત્ર દ્વારા તમામ સ્થળો ઉપર ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. લંબાણપૂર્વકની તપાસ બાદ કંઈ વાંધાજનક નહીં મળતા તંત્રએ રાહત અનુભવી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે મેલ કોને મોકલ્યો હતો અને ક્યાં આઈડી ઉપરથી મોકલવામાં આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ સ્થિત ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કાર્યલયને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી આપવામાં આવ્યાનું જાણવા મળે છે. ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગણી કરી હતી. આરબીઆઈ ઓફિસ ઉપરાંત એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી આપવામાં આવી છે. તમામ સ્થળો ઉપર પોલીસે તપાસ કરી હતી પરંતુ કંઈ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે તમામ સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.