અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 500થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આઠ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આમ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 40ને પાર પહોંચ્યો છે. શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા દ્વારા ટેસ્ટીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના નવા આઠ કેસ આજે નોંધાયા હતા. આ કેસ શહેરના નવરંગપુરા, નાણપુરા, જોધપુર, સરખેજ, ગોતા અને થલતેજ વિસ્તારમાં સામે આવ્યા હતા. શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. આજે પાંચ પુરુષ અને 3 મહિલાઓના દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 42 થઈ છે. આજે જે આઠ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પૈકી 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે. આ ત્રણ દર્દીઓએ અમેરિકા, દુબઈ અને મથુરાનો પ્રવાસ કર્યાનું જાણવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા આઠેય દર્દીઓના પરિવારજનોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. હાલ તમામ દર્દીઓને હોમ આઈસોલેટ રાખવામાં આવ્યાનું જાણવા મળે છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારાના પગલે આરોગ્ય વિભાગ હકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરોમાં કોરોનાને લઈને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરીજનોને કોરોનાથી નહીં કરવા માટે અપીલ કરીને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.