અમદાવાદઃ ઉત્તરાણ યાને મકરસંક્રાતિ પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી જોવા મળી રહી છે. બજારોમાં પતંગોની નવી વેરાઈટીઓ આવી ગઈ છે. રોડની ફુટપાથ પર દોરી પિવડાવવાવાળા પણ તૈયાર થઈ ગયા છે. પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 10થી 15 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
શહેરના રાયપુર દરવાજા વિસ્તારના પતંગના વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા રૂપિયા 20થી 25ની હતી. જે આ વર્ષે હવે રૂપિયા 30 થી રૂપિયા 35 ચૂકવવા પડશે. આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે. રૂ.6 થી લઈ 150 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે લોકો આવી રહ્યા છે. ઉત્તરાણના પર્વને બે અઠવાડિયા બાકી છે ત્યારે ઘરાકી વધશે એવી વેપારીઓને આશા છે. પતંગ ઉપરાંત દોરીના ભાવમાં પણ વધારો થયો છે. દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે,
પતંગના અન્ય એક વેપારીના કહેવા મુજબ 100 નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા 300, કલર ચિલ રૂપિયા 360, કલર ચિલ પ્રિન્ટના રૂપિયા -420, લેમન ચિલ પ્રિન્ટના રૂપિયા – 420, સફેદ પ્રિન્ટ ચિલના રૂપિયા -360, સફેદ ચાંદ ચિલના રૂપિયા -380, કલર ચાંદ ના રૂપિયા -420 હોલસેલ ભાવો જોવા મળ્યા છે. આ વર્ષે પતંગ વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2024 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેવી આશા છે.
આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, બરેલી, બરોડા તથા અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો બજારમાં વેચાણ અર્થે વેપારીઓ લાવ્યા છીએ, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 15 ટકા સુધી વધી ગઇ છે. આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી વેપારીએ આશા વ્યક્ત કરી હતી. (File photo)