બોટાદ અને જસદણમાં હવે વનરાજોની ત્રાડ સંભળાશે, સિંહ માટે આરક્ષિત વિસ્તાર જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં વન વિભાગની સાર-સંભાળને કારણે સિંહોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગીરના જંગલ ઉપરાંત હવે રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહ વસવાટ કરવા લાગ્યા છે. સિંહ એવું પ્રાણી છે. કે, પોતાનો વિસ્તાર જાતે જ નક્કી કરે છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહ પરિવારને આવવા દેતા નથી. હાલ ગીર ઉપરાંત ભાવનગર અને અમરેલી જિલ્લામાં વનરાજો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના જસદણ તાલુકો તેમજ બોટાદ જિલ્લામાં સિહોના આંટાફેરા વધી રહ્યા છે. કાળુભાર, ઘેલો અને શેત્રૂંજી નદી પટ વિસ્તાર સિહને અનુકૂળ આવી ગયો છે. ત્યારે બોટાદ જિલ્લો તેમજ જસદણ તાલુકાને આરક્ષિત કરવાની સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બૃહદ ગીર અભ્યારણ્ય અંતર્ગત આ વિસ્તાર 30,000 કિલોમીટરનો થવા જઈ રહ્યો છે. સિંહની વધી રહેલી વસ્તી સામે તેના વિસ્તારોને વધારવાની વિચારણા ચાલી રહી છે ત્યારે હવે છેક બોટાદ સુધી સિંહનું આગમન આરક્ષિત કરવાનું વિચારણામાં લેવાઈ રહ્યું છે. હાલમાં સિંહની વસ્તી 674 જેટલી છે જેમાં ઘણાં સિંહ મારણની શોધમાં ગીરના સીમાડા વિંધીને છેક ભાવનગર અને અમરેલી જિલ્લાની હદને ક્રોસ કરી રહ્યા છે. જે રીતે સિંહની વસ્તી વધી રહી છે એ જોતાં જામનગર, મોરબી અને પોરબંદર સિવાયના સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સિંહ જોવા મળી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બોટાદ જિલ્લા પણ સિંહની અવરજવર વધી ગઈ છે ત્યારે સિંહનો રેવન્યુ આરક્ષિત એરિયા તરીકે બોટાદ, જસદણનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સિંહનો વિસ્તાર અમરેલી, મહુવા અને પાલીતાણા સુધી વિસ્તારવામાં આવ્યો છે. આ માટે સરકારમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે કે રાજકોટ શહેર, જસદણ, જેતપુર, બોટાદ અને ભાવનગર સુધી સિંહનો સૂચિત રેવન્યુ વિસ્તાર વધારવામાં આવશે. 2007માં સરકારે બૃહદ ગીર અંતર્ગત ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય અભ્યારણ્યમાં ગીરની સરહદ નક્કી કરી હતી. જેમાં અમરેલી, કેટલાંક દરિયાકાંઠાના વિસ્તારો, શેત્રુંજી નદી, મહુવા અને પાલીતાણાના વિસ્તારોમાં સિંહની નિયમિત અવરજવરને નોંધાતા આ વિસ્તારને આરક્ષિત કરવામાં આવ્યો હતો. જે રીતે સિંહની વસ્તી વધી રહી છે ત્યારે સામાજિક વનીકરણની જવાબદારી બને છે અને તે માટે જરૂરી પેટ્રોલિંગ વનવિભાગ દ્વારા પણ કરવામાં આવશે.