શ્રીહરિકોટા:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના સોલર મિશનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈસરોના વડા એસ. સોમનાથે આ મહત્વપૂર્ણ મિશન વિશે માહિતી આપી છે કે આદિત્ય L1 6 જાન્યુઆરીએ સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચશે. આ બિંદુએ પહોંચ્યા પછી આ અવકાશયાન કોઈપણ અવરોધ વિના સૂર્યનો અભ્યાસ કરશે. ઈસરોનું આ મિશન આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું.
IIT બોમ્બેની વાર્ષિક વિજ્ઞાન અને ટેક્નોલોજી ઇવેન્ટ ‘ટેકફેસ્ટ 2023’ માં બોલતા સોમનાથે કહ્યું, “આદિત્ય L1 ત્યાં હવે લગભગ પહોંચવા આવ્યું છે.” આદિત્ય L1 6 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે લેગ્રેન્જ પોઈન્ટ પહોંચશે. અમે આદિત્ય L1ના એન્જિનને ખૂબ જ નિયંત્રિત રીતે ચલાવીશું જેથી કરીને તે ‘હેલો ઓર્બિટ’ નામની ભ્રમણકક્ષામાં પ્રવેશી શકે. ‘લેગ્રેન્જ પોઈન્ટ’ એ એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ તટસ્થ બની જશે.
સોમનાથે કહ્યું કે ગુરુત્વાકર્ષણને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવું શક્ય નથી, કારણ કે ચંદ્ર, મંગળ, શુક્ર જેવા અન્ય પિંડ પણ છે. તેમણે કહ્યું કે તમામ છ પેલોડ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે ‘સારી રીતે કામ કરી રહ્યા છે.’ તેમણે કહ્યું કે તમામ તરફથી ખૂબ જ સારી માહિતી મળી રહી છે.
ઈસરોના ચંદ્રયાન-3 અંગે સોમનાથે કહ્યું કે પ્રજ્ઞાન રોવરે ડેટા એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રની સપાટી પર ઉતર્યાના 14 દિવસ પછી પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર કાયમ માટે સૂઈ ગયું.તેણે કહ્યું “તે ઇતિહાસમાં કાયમ માટે સૂઈ ગયું,”. કમનસીબે, અમે આશા રાખતા હતા કે તે જાગી જશે, પરંતુ તે થયું નહીં. જ્યારે અમે અમારી લેબોરેટરીમાં આખી સિસ્ટમનું પરીક્ષણ કર્યું ત્યારે તે કામ કરી રહી હતી.” સોમનાથે કહ્યું કે લેબોરેટરીમાં કામ કરતી કેટલીક સિસ્ટમ્સ રેડિયેશન જેવા વિવિધ કારણોસર ચંદ્રની સપાટી પર કામ કરી શકતી નથી.