પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના: ગુજરાતમાં 2.45 લાખ પરિવારને મળ્યા પાકા આવાસ
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના’નો વર્ષ 2015માં પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનના સમારકામ માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
આ યોજના અંતર્ગત ભારત સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂ.1,20,000 તથા ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા રૂ.1,30,000ની નાણાકીય સહાય આપે છે. ગામની વિકલાંગ વ્યક્તિ, માત્ર એક દીકરી ધરાવતા કુટુંબો, આર્થિક રીતે નબળા વર્ગના લોકો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વગેરેને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,45,613 આવાસ પૂર્ણ કરાયા છે.
શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને માટે સારાં સુવિધાયુક્ત મકાનની સગવડતા મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીથી આવાસોના નિર્માણ માટે પ્રેરણાદાયી સ્તુત્ય પગલાં લેવાયાં છે. શહેરો – નગરોને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં રહેતાં ગરીબો અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને વાજબી કિંમતના આવાસો પૂરા પાડવાના ઉમદા હેતુ સાથે શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાએ શહેરી જીવન સરળ બનાવ્યું છે.
ભારત સરકાર સીટી સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ રૂ.1 લાખ, AHP અને PMAY-U ના BLC વર્ટિકલ્સ માટે રૂ.1.5 લાખની સહાય કરે છે. PMAY-U અંતર્ગત આર્થિક રીતે નબળા વિભાગો (EWS) અને ઓછી આવક વાળા જૂથ (LIG) વર્ગના લાભાર્થીઓ માટે 6.5 ટકાના દરે વ્યાજ સબસિડી આપવામાં આવે છે. જે પ્રતિ ઘર રૂ.2.67 લાખ જેટલી થાય છે. 118.20 લાખથી વધુ આવાસને મંજૂરી અપાઈ છે.