અમદાવાદની સિટી સિવિલ કોર્ટનો બનાવટી ઈ-મેઈલ મોકલીને નાણા માંગતા સાયબર ક્રાઈમને ફરિયાદ
અમદાવાદઃ રાજ્યમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદની સિટી સિવિલ કોર્ટના નામે ફેક આઈડી બનાવીને અરજદાર યુવતીને ઈમેઈલ કરીને નાણા ભરવાની નોટિસ આપવામાં આવી હતી નાણા નહીં ભરે તો ગુનોં નોંધવાની પણ ચિમકી આપવામાં આવી હતી. આ અંગે યુવતીએ સિટી સિવિલ કોર્ટમાં તપાસ કરતા આવો કોઈ ઈમેઈલ કરાયો નથી તેની જાણ થઈ હતી. આ અંગે રજિસ્ટ્રારે શહેરના સાયબર ક્રાઈમને ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધીને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા સિટી સિવિલ કોર્ટના નામે ભળતો ઇમેઇલ આઇડી બનાવીને કોઇ વ્યક્તિએ એક યુવતીને નાણાં ભરવા માટે ઇમેઇલ કર્યો હતો અને જો નાણાં નહી ભરે તો તેની સામે ગુનો નોંધવાની ધમકી આપી હતી. જે અંગે યુવતીએ સિટી સિવિલ કોર્ટમાં જાણ કરતા આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવામાં આવતા વિશેષ ટીમ તૈયાર કરીને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના સિટી સિવિલ સેશન્સ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સાયબર ક્રાઇમ સેલમાં અરજી કરવામાં આવી હતી કે એક યુવતી સાથે સિટી સિવિલ સેશન્સ કોર્ટના બનાવટી ઇમેઇલ કરીને નાણાં માંગીને છેતરપિંડી કરવામાં આવી છે. યુવતીને ગત ચોથી નવેમ્બરના રોજ એક ઇમેઇલ આવ્યો હતો. જે ભદ્ર સિટી સિવિલ સેશન્સ કોર્ટ હોવાનુ દર્શાવીને જણાવાયુ હતુ કે સમયસર પેમેન્ટ ન થતા અને એનઓસી મોડી થવાને કારણે 19 હજાર રૂપિયાની વધારાની પેનલ્ટી ભરવાની રહેશે. જો સાંજે પાંચ વાગ્યા સુધી પેનલ્ટી ન ભરે તો કોર્ટ ફાઇનલ નિર્ણય જાહેર કરશે. જે તમારા કેરીયર, ભવિષ્યની લોન, સીબીલ સ્કોરને અસર કરશે. જો કે યુવતીએ આ ઇમેઇલને અવગણ્યો હતો. ત્યારબાદ યુવતીએ ઇમેઇલ કરીને નાણાં માંગવા બાબતે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. તેમજ કોર્ટના અસલી ઇમેઇલ આઇડી પર પણ મેઇલ કરીને તેની પાસે નાણાંની માંગણી કરવા અંગે જાણ કરી હતી. બીજી તરફ શંકાસ્પદ ઇમેઇલ આઇડીથી ફરીથી યુવતીને ઇમેઇલ આવ્યો હતો અને 82 હજારની માંગણી કરવામાં આવી હતી. તે પછી 13મી નવેમ્બરના રોજ 1.29 લાખનો દંડ ભરવાની ધમકી આપીને મહારાષ્ટ્ર પોલીસના લોગો વાળો ઇમેઇલ આવ્યો હતો. તેમજ એટેચ લેટરમાં 4.56 લાખની રકમ પણ માંગવામાં આવી હતી. આમ, યુવતીને કોઇ વ્યક્તિએ કોર્ટના ભળતા નામે બનાવટી ઇમેઇલ કરતા સાયબર ક્રાઇમ સેલની એક વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.