ફ્રાંસથી પરત ફરેલા 21 ગુજરાતી પ્રવાસીએ CID ક્રાઈમને આપ્યા નિવેદન, ‘અમે ફરવા માટે જતાં હતા!’
અમદાવાદઃ ગુજરાતીઓ અને ખાસ કરીને મહેસાણા જિલ્લા તેમજ ખેડા અને આણંદ જિલ્લાના લોકોમાં વિદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ વધુ જોવા મળે છે. જેમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂંસવા મારવા માટે કેટલાક લોકો એજન્ટોને લાખો રૂપિયા આપતા હોય છે. કબુતરબાજીના કેસ અવાર-નવાર પકડાતા હોય છે. તાજેતરમાં 230 પ્રવાસીઓ સાથેના દુબઈથી નિકારાગુઆ જતાં ખાનગી વિમાન ફ્યુઅલ માટે ફ્રાન્સમાં લેન્ડ થયું હતું. આ વિમાનમાં તમામ પ્રવાસીઓ ભારતિય હતા. માનવ તસ્કરીની શંકાને આધારે તપાસ કર્યા બાદ તમામ પ્રવાસીઓને ડિપાર્ટ કરીને મુંબઈ પરત મોકલી અપાયા હતા.જેમાં 21 જેટલા ગુજરાતી પ્રવાસીઓ પણ હતા. આ પ્રવાસીઓ ગુજરાત પરત ફરતા સીઆઈડી ક્રાઈમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તમામ પ્રવાસીઓ ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. પ્રવાસીઓ ફરવા માટે નિકારાગુઆ જતા હોવાનું કહી રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાન્સથી ડિપોટ કરાયેલા લોકોમાં 21 ગુજરાતી પણ હતા, જેઓ મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠાના છે. આ તમામની વિગત CID ક્રાઈમ પાસે છે અને તેમની ટીમ દ્વારા આ જિલ્લાઓનાં ગામમાં જઈને તેમનાં ઘરે પૂછપરછ કરવામાં આવી છે. એટલું જ નહીં, મોટા ભાગના લોકોનાં નિવેદન પણ પૂર્ણ થઈ ગયાં છે. તમામ કહે છે કે અમે ફરવા માટે ગયા હતા, પરંતુ મોટી વાત એ છે કે જે લોકો નિકારાગુઆ માટે ગયા હતા એમાં કેટલાક લોકોનાં ઘર પણ પાકાં નથી. એટલે ઘણી શંકા ઊભી થઈ રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા હવે કોઈથી છાની નથી રહી. સીધી રીતે મેળ ના પડે, તો આડકતરી રીતે જીવને જોખમમાં મૂકીને ગેરકાયદેસર પણ અમેરિકામાં પ્રવેશ કરતાં તેઓ મોં માગી કિંમત આપવા પણ તૈયાર થઈ જાય છે. થોડા દિવસ પહેલા જ ફ્રાન્સ સરકારે માનવ તસ્કરીના આધારે આખી ફ્લાઈટ ડિટેઈન કરી હતી. 276 પેસેન્જર સાથેની ફ્લાઈટ મંગળવારે જ મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. જે પૈકી 21 પેસેન્જર ગુજરાતી હતા. જેઓ અમેરિકા જવા માંગતા હોવાનો ખુલાસો થયો હતો. CID ક્રાઈમની તપાસમાં ફ્રાન્સથી ડિપોર્ટ કરવામાં આવેલા 21 ગુજરાતી મુસાફરો મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠાના હોવાનું જાણવા મળ્યું હતુ. આથી CID ક્રાઈમની ટીમ દ્વારા મહેસાણા, ગાંધીનગર, આણંદ અને પાટણના 18 જેટલા મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, તમામ 21 ગુજરાતીઓ અલગ-અલગ રીતે દુબઈ પહોંચ્યા હતા. જ્યાંથી તમામને નિકારાગુઆ અને પછી અમેરિકામાં ઘુસાડવામાં આવવાના હતા. આ માટે 40 લાખ રૂપિયાથી લઈને સવા કરોડ સુધીની ડીલ પણ થઈ હતી. આ કામ હાથમાં લેનારા મોટાભાગના એજન્ટો ઉત્તર ગુજરાત બાજુના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો CID દ્વારા RPO પાસેથી તમામ મુસાફરોના પાસપોર્ટની વિગતો માંગવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફ્રાન્સની એજન્સીઓની તપાસમાં શશી રેડ્ડી અને ગુજરાતના કિરણ પટેલ તેમજ રાજુ સરપંચના નામનો ખુલાસો થયો હતો. જેમના દ્વારા આવી રીતે દુબઈથી ફ્લાઈટમાં ફ્રાન્સ અને ત્યાંથી મેક્સિકો બાદમાં અમેરિકામાં ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી. આ ફ્લાઈટમાં 96 ગુજરાતીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે જ્યારે મંગળવારે ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેમાં મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને આણંદના 21 પેસેન્જર મળી આવ્યા હતા. (file photo)