અયોધ્યાઃ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું
અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ ભવ્ય એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ દિલ્હીથી અયોધ્યા આવતી પ્રથમ ફ્લાઈટ રવાના થઈ હતી. એરપોર્ટને પ્રથમ તબક્કામાં રૂ. 1450 કરોડથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવ્યો છે. એરપોર્ટનું ટર્મિનલ ભવનનું ક્ષેત્રફળ 6500 વર્ગમીટર હશે. જેથી દર વર્ષે લગભગ 10 લાખ પ્રવાસીઓ હવાઈ માર્ગે અયોધ્યા આવી શકે.
આ પ્રસંગ્રે ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ જણાવ્યું હતું કે, પ્રભુ શ્રી રામ આવી રહ્યાં છે અને 22મી જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આ શુભઘડી આવી રહી છે. અયોધ્યા આધુનિક રોડ માર્ગે જોડાયું છે. રેલની સુંદર સુવિધા પણ અયોધ્યામાં ઉભી કરાઈ છે. આ એજ અયોધ્યા છે જેનું નામ લેવામાં લોકો સંકોચ કરતા હતા. અયોધ્યામાં સૌથી વધારે વખત પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદી મોખરે છે. 22 જાન્યુઆરી પહેલા પીએમ મોદી અયોધ્યાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી રહ્યાં છે. એરપોર્ટનું નામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદ કર્યું છે. એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકીજી કરવામાં આવ્યું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી બાદ ઉત્તરપ્રદેશે દુનિયાને અતિથિ દેવો ભવઃનો અનુભવ કરાવશે.
શનિવારે સવારે હવાઈ માર્ગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરતા પૂર્વ 15 કિમી લાંબો રોડ-શો કર્યો હતો. રોડ શો દરમિયાન લાખો અયોધ્યાવાસીઓ અને રામભક્તોએ પીએમ મોદીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ રામભક્તોનું અભિવાન કર્યું હતું.