પ્રોપગેન્ડા ગમે તેટલો ચાલે, પણ જમ્મુ-કાશ્મીરમાં આતંક કાબુમાં: આંકડાઓ આપી રહ્યા છે સાક્ષી
શ્રીનગર: એક સમયે ભાગલાવાદીઓના ઉધામા અને પથ્થરબાજીને કારણે અશાંત જમ્મુ-કાશ્મીરમાં હવે અમનચેન દસ્તક આપી રહ્યા છે. અનુચ્છેદ-370ના હટાવાયા બાદથી ગત વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં બંધ અને પથ્થરમારા જેવી ઘટનાથી હિંસામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 15 ડિસેમ્બર સુધી આતંકવાદ અને ભાગલાવાદ સંબંધિત સંગઠિત હડતાળ અને સંગઠિત પથ્થરમારાની શૂન્ય ઘટનાઓ નોંધાય છે. આ વાત કોઈનાથી છૂપાયેલી નથી કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને ભાગલાવાદી આંદોલનના કારણે કેવી સ્થિતિ બની હતી.
અનુચ્છેદ-370ના હટાવાયા પહેલા અહીં સ્થિતિ ઠીક ન હતી, વર્ષ 2018માં 52 હડતાળ અને 1,221 પથ્થરમારાની ઘટનાઓ રેકોર્ડ થઈ હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકવાદી ઘટનાઓ પણ ઘટી છે. 2018માં 228 આતંકી ઘટનાઓની સરખામણીમાં ગત વર્ષે આ આંકડો 44નો રહ્યો હતો.
2018ની સરખામણીમાં અથડામણ, નાગરિકો અને સુરક્ષાકર્મીઓના મોતની સંક્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં વર્ષ 2018માં 189 અથડામણો થઈ હતી, ત્યાં ગત વર્ષ 48 એકાઉન્ટરો આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે જોવા મળ્યા હતા. નાગરિકોના મોતની વાત કરીએ, તો આ આંકડો જમ્મુ-કાશ્મીરમાં 55થી ઘટીને 13નો થયો છે. ત્યારે 2018માં 91 સુરક્ષાકર્મીઓની શહાદત થઈ હતી, ગત વર્ષ આ સંખ્યા ઘટીને 26ની થઈ છે.
અનુચ્છેદ-370થી મુક્ત અને કેન્દ્રશાસિત બનેલા જમ્મુ-કાશ્મીરમાં પર્યટકોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે. પર્યટન ક્ષેત્રમાં 2023માં 1.9 કરોડથી વધારે પર્યટકોના આવવાની સાથે અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. અમરનાથ યાત્રામાં 4.4 લાખ યાત્રીઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા, જે ગત 10 વર્ષોમાં સૌથી વધુ છે. કાશ્મીરમાં બદલાતી સ્થિતિની ગવાહી ગત રાત્રે શ્રીનગરના ઐતિહાસિક લાલચોકમાં જોવા મળી હતી, જ્યાં હજારોની સંખ્યામાં પર્યટકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. કદાચ આ પોતાનામાં એક ઐતિહાસિક ઘટના હશે, જ્યારે લાલચોકમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી હોય.
કાશ્મીર ઘાટી ફરવા આવેલા લોકો પણ શ્રીનગરના લાલચોક વિસ્તારમાં નવા વર્ષની ઉજવણીને જોઈને આશ્ચર્યમાં મૂકાયા હતા. ગુલમર્ગ, પહલગામ અને સોનમર્ગ જેવા પર્યટક રિસોર્ટ મોટાભાગે બુક થઈ ચુક્યા છે. અન્ય હોટલ અને ગેસ્ટ હાઉસમાં પણ પર્યટકોએ પોતાના ઠેકાણા શોધી લીધા છે. ઘાટીમાં પર્યટકોની સંખ્યા વધી રહી છે અને પ્રશાસનની આશા છે કે 2024 નવો રેકોર્ડ બનાવશે.