PMના વિકસિત ભારતના સંકલ્પમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સમર્પણ ભાવના સમાયેલી છેઃ રાજ્યપાલ
જુનાગઢઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરૂવારે જુનાગઢ જિલ્લાના બીલખા ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં દેશના દરેક ક્ષેત્રના નાગરિકની રાષ્ટ્રની ઉન્નતિ માટેની કર્તવ્યભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણભાવ રહેલો છે.
રાજ્યપાલએ કોઈ કામ નાનું નથી, તેમ જણાવીને ખેડૂત, શિક્ષક, સૈનિક, કર્મયોગી , મહિલાઓ સહિત દરેક ક્ષેત્રના નાગરિક પોતપોતાના કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરે-પ્રમાણિકતા અને મહેનતથી પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત થાય તેમ કહ્યું હતું. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકલ્યાણના આ અભિયાનમાં દેશના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય-સરકારની યોજના એકેએક નાગરિક સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા દરેક નાગરિકો સરકારી યોજનાનો લાભ લઈને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે સંકલ્પને સાકાર કરવા આ વિકસિત ભારત સંકલ્પયાત્રા આપના ગામમાં આવી છે અને આ રીતે દેશના ખૂણે-ખૂણે આ યાત્રા જનકલ્યાણના ઉદ્દેશ સાથે ફરી રહી છે તેમ જણાવ્યું હતું.
રાજ્યપાલએ પોતાના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના સ્વઅનુભવો અને લાભો વિશે જણાવતાં કહ્યું કે, વર્ષો પહેલા અન્ય ખેડૂતોની જેમ રાસાયણિક ખેતી કરી રહ્યો હતો. જેથી જમીનનો ઑર્ગેનિક કાર્બન ૦.5 ટકા જેટલો થઈ ગયો હતો. આજે પ્રાકૃતિક ખેતીના પરિણામે ઑર્ગેનિક કાર્બન 1.7 ટકા જેટલો થયો છે. જેથી હવે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો કરતાં પણ વધુ ખેત પેદાશ લઈ રહ્યા છીએ.
રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીથી ખેતપેદાશ ઘટી જાય છે તેવી માન્યતાને ખોટી ગણાવતાં કહ્યું કે, જંગલમાં રહેલા વૃક્ષો છોડને કોઈ રાસાયણિક ખાતર કે માવજત વગર ઋતુ મુજબ ખૂબ ફળ આવે છે. તેમ કુદરતે જ કૃષિ ખેત પેદાશ માટે વ્યવસ્થા કરી છે. આમ, પ્રાકૃતિક રીતે જ જરૂરી પોષક તત્વો પાકને મળી રહે છે. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કરતાં કહ્યું કે, ઝેરમુક્ત ખેતી કરી લોકોને આરોગ્ય બક્ષવાનું પણ ખૂબ મોટું કાર્ય થશે.
કેન્દ્ર સરકાર – ગુજરાત સરકાર વિવિધ લોક કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચે અને આ યોજનાનો લાભ લઈને લાભાર્થી જીવનમાં પ્રગતિ કરે. આ કાર્ય હવે વિકસિત ભારત સંકલ્પયાત્રાના માધ્યમથી વ્યાપક બન્યું છે, તેમ જણાવીને તેનો લાભ લેવા અને માહિતી એકબીજાને આપી યોજનાનો લાભ અન્ય લોકો લે તે માટે રાજયપાલશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દેશ પ્રગતિના માર્ગે છે. છેલ્લા પાંચ વર્ષમાં સાડાતેર કરોડ લોકો ગરીબીની રેખાથી બહાર આવ્યા છે. આ વાત સરકાર નહીં, પરંતુ વિદેશી એજન્સીઓ ભારતના વિકાસની ફલશ્રુતિ અને સફળ ગાથા જણાવતાં કહી રહી છે. ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા છે અને આગામી થોડા વર્ષોમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બને તે દિશામાં રાષ્ટ્ર વિકાસના માર્ગે છે. રાજ્યપાલશ્રીએ વિકાસની આ યાત્રામાં દરેકની ભાગીદારી જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું.