1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું દીવ ખાતે આયોજન
ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું દીવ ખાતે આયોજન

ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું દીવ ખાતે આયોજન

0
Social Share

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દીવ બીચ ગેમ્સ- 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિભિન્ન કાર્યક્રમોના ભાગરૂપે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે ‘માય ભારત મેરા યુવા ભારત’ અન્વયે યુવા સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ અને સાંસદ લાલુભાઈ પટેલની ઉપસ્થિતિમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો.
દેશના યુવાનોની ઊર્જા રાષ્ટ્ર નિર્માણમાં જોડાય અને વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનો તેમનું યોગદાન આપે તેવું જણાવતા કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે યુવાનોને સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આગળ વધવા અપીલ કરી હતી. સમર્થ યુવા સશક્ત ભારત રચી શકે અને તે માટે રમતગમત ઘણું મહત્વ છે તેમ જણાવી કેન્દ્રીય ખેલ મંત્રીએ પાછલા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ભારતીય રમતવીરોની સિદ્ધિઓ વાત જણાવી હતી. ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાનું સૂત્ર આપતા કેન્દ્રીય મંત્રીએ યુવાનોને રમત ગમતને પોતાના જીવનનો એક ભાગ બનાવવા, સ્વસ્થ રહી નશાથી દૂર રહીને સશક્ત બનવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે દીવ પ્રથમ વખત બીચ ગેમ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે, આ ફેસ્ટિવલ રમતગમતના ક્ષેત્રમાં એક અલગ ક્રાંતિ લાવશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસ્કૃતિ અને પર્યટનને વધારશે.
પ્રશાસકે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે આપણા યુવાનો જ દેશને સાચી દિશા આપી શકે છે અને આ માટે તેઓએ શરીર અને મનથી સ્વસ્થ રહેવું પડશે. આ રમત જ યુવાનોને ફિટનેસ આપશે. જે માટે જ દીવ બીચ ગેમ્સ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસકે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આનાથી બીચ ગેમ્સની સંસ્કૃતિનો વિકાસ થશે, કેન્દ્રશાસિત પ્રદેશની રમત પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે અને કેન્દ્રશાસિત પ્રદેશની પ્રવાસન ક્ષમતામાં વધારો થશે. આ ઇવેન્ટ સ્થાનિકો અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષિત કરશે.
આ પ્રસંગે દીવનાં જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનોની ઉપસ્થિતિ રહી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code