પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના થરાદ-ડીસા હાઇવે પર ખોરડા ગામ નજીક સર્જાયેલા ડમ્પર અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ઊંઝાથી ઘરે પરત ફરી રહેલા વાવના બ્રાહ્મણ પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં પતિ, પત્ની, પુત્ર અને પુત્રવધુનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ખોરડા પાસે ડમ્પરે અડફેટે લેતા કારમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા. મૃતક તમામ વાવના એક જ પરિવારના છે. મૃતકોમાં પતિ, પત્ની, પુત્ર અને પુત્રવધૂનો સમાવેશ થાય છે. આ પરિવાર ઊંઝાથી તેમના વતન વાવના ડાભલિયા વાસ જઈ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોઝરી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો પર આભા તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે. કારની હાલત એટલી ભયાકન હતી કે તે જોઈને લોકોના રૂવાડા ઉભા થઈ ગયા હતા. મૃતકોમાં ભુરાભાઈ લખીરામ જોષી, કકીબેન ભુરાભાઈ જોષી, નિતેશ ભુરાભાઈ જોષી, અને ભગવતીબેન નિતેશ જોષીનો સમાવેશ થાય છે.