રાજપીપળાઃ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.9 મી જાન્યુઆરીને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આ પતંગોત્સવમાં 18 દેશના 34 અને ભારતના 17 મળી કુલ 51 પતંગબાજો ભાગ લેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા પતંગોત્સવના સુચારૂ આયોજન અને અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે બેઠક મળી હતી. જેમાં જુદા-જુદા વિભાગોને સોંપાયેલી કામગીરી-જવાબદારીઓ અને ફરજો સંદર્ભે વાકેફ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે સુંદર આયોજન થયું હતું તે જ પ્રમાણે આ વર્ષે પણ નિષ્ઠાથી પતંગોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા કલેકટરે અધિકારીઓને સુચના આપી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારો પતંગોત્સવ વિદેશના પતંગબાજોને કાયમી યાદગાર બની રહે તે રીતે સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં” ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપસ્થિત રહી સહભાગી બનશે. તેમની રહેવા-જમવાની અને આનુસાંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાઈટ-પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરાંત બનાસકાંઠાના નડાબેટ ખાતે પણ પતંગોત્સવનું આયોદન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે પતંગોત્સવનું આયોજન કરાયું છે.