ગાંધીનગરઃ ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ.પી.ઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. 10/01/2024ને બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે 10.30ને બદલે બપોરે 12.00 વાગ્યાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વાઇબ્રન્ટ સમિટને કારણે VVIP મૂવમેન્ટમાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે. VVIP મૂવમેન્ટમાં અડચણ ન આવે તે માટે ગાંધીનગરના માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી બુધવારે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કરશે. ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે ત્યારે 200 કંપનીના સીઇઓએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે. વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તાતા સન્સના એન.ચંદ્રશેખરન, સન ફાર્માના સ્થાપક અને એમ.ડી. દિલીપ સંઘવી, ગ્લોબલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને વેલસ્પન ગ્રુપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા સહિતના વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ સમિટને લીધે ગાંધીનગરમાં કેટલાક માર્ગો ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે. તો ક્ટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ.પી.ઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. 10/01/2024ને બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે 10.30ને બદલે બપોરે 12.00 વાગ્યાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.