રાજકોટઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અપુરતા શિક્ષકો હોવાને લીધે શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે. રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં 40 શાળાઓ તો એવી છે. કે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. રાજકોટ નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. પણ હીરાસર ગામની પ્રાથમિક સ્કૂલમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના વર્ગો ચાલે છે, પરંતુ અહીં એક જ શિક્ષકથી શિક્ષણકાર્ય ચાલે છે. જેને લીધે વિદ્યાર્થીઓને મૂશ્કેલી ભોગવવી પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં 423 શિક્ષકોની ઘટ છે. જેમાં 1 શિક્ષક હોય તેવી 40 જેટલી સ્કૂલો છે. જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે અન્ય સ્કૂલમાંથી શિક્ષકોને રિલિવર તરીકે મોકલવામાં આવે છે. એક જ શિક્ષક હોય એવી શાળાઓમાં જ્યારે શિક્ષક રજા પર જાય ત્યારે શાળા બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે.
રાજકોટ-અમદાવાદ હાઈ- વે પર ચોટીલા પાસે હિરાસર ગામમાં રાજ્યનું પ્રથમ ગ્રીન ફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. જોકે, આ ગામમાં લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓ અપૂરતી છે. હિરાસરમાં બાલવાટિકાથી ધો.5માં એક જ શિક્ષક છે, જ્યારે અન્ય શિક્ષકની તાજેતરમાં જ બદલી થઈ હોવાથી જગ્યા ખાલી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટને આપવામાં આવ્યું છે. જોકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યાં આવેલું છે તે હિરાસરના ગ્રામજનો શિક્ષણ સહિતની સુવિધાઓ ઝંખે છે. અહીંના લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરની તો ઠીક સ્થાનિક જરૂરિયાતો મુજબની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.